એનસીપી નેતા રેશ્મા પટેલે પોતાના પદેથી રાજીનામું આપ્યું
આમ આદમી પાર્ટીમાં જોડાયા રેશ્મા પટેલ
વિરમગામથી હાર્દિક પટેલ સામે લડી શકે છે રેશ્મા પટેલ:સૂત્ર
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પક્ષે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારી લિસ્ટ જાહેર થયા બાદ અનેક નેતાઓ પાર્ટીથી નારાજ થઈ પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ચૂંટણી સમયે પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે અને એનસીપીએ ત્રણ બેઠકો માટે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે ગોંડલથી ઉમેદવારી નોંધાવા ગયેલા એનસીપી નેતા રેશ્મા પટેલ પોતાની ઉમેદવારી નોંધાવી શક્યા ન હતા.
ગઠબંધન થવાને કારણે ન મળી ટિકિટ
વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણના સમીકરણો બદલાઈ રહ્યા છે. અનેક નેતાઓ પોતાના પક્ષમાંથી રાજીનામા આપી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા એનસીપી નેતા રેશ્મા પટેલે પણ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસે ત્રણ બેઠકો માટે એનસીપીની સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી હતી. જેને કારણે કોઈ પણ ઉમેદવારને મેન્ડેટ આપવામાં ન આવ્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરવા ગયેલા રેશ્મા પટેલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા હતા.
આમ આદમી પાર્ટીમાં જોડાયા રેશ્મા પટેલ
આ ઘટનાને લઈ નારાજ થયેલ એનસીપી નેતા રેશ્મા પટેલે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું છે. પાર્ટી છોડ્યા બાદ રેશ્મા પટેલે પાર્ટી પર અનેક આક્ષેપો કર્યા હતા. પત્ર લખી રેશ્મા પટેલે કહ્યું કે એનસીપી પાર્ટીમાં નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યું છે. હું સમજું છું કે જનતાને ન્યાય અપાવવા માટે તમારી તાકાતને વધારવી પડે છે જ્યારે તાકાત વધારવાનો મોકો આવે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાયનો સામનો કરે પડે છે. રાજીનામું આપ્યા બાદ એવી વાતો વહેતી થઈ હતી કે રેશ્મા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આપમાં જોડાઈ વીરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ સામે ચૂંટણી લડી શકે છે તેવી અટકળો વહેતી થઈ છે.