હાલ ભલે શિયાળાની મૌસમ ચાલી રહી છે પરંતુ આગાહી વરસાદને લઈ કરવામાં આવી રહી છે. રવિવારે તેમજ સોમવારે જગતના તાતને કુદરતનો માર સહન કરવો પડ્યો હતો. ત્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસમાં વરસાદની શક્યતા નહિંવત છે. મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તાપમાનમાં ઘટાડો થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે.
ઠંડીનો અનુભવ કરવા રહેવું પડશે તૈયાર!
શિયાળામાં ઠંડક કેટલી હશે તે અંગેના સમાચાર નથી આવતા પરંતુ કમોસમી વરસાદ ક્યાં આવશે તેના સમાચારો આવી રહ્યા છે. માવઠાને કારણે જગતનો તાત ચિંતિત બન્યો છે. રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો છે જેને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની અસર થઈ હતી. ભલે વરસાદની સંભાવના નથી પરંતુ ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે. તાપમાનનો પારો ગગડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
ડો. મનોરમા મોહન્તીએ કહ્યું કે, ગુજરાતમાં પાંચ દિવસના હવામાનમાં કોઇ મોટો ફેરફર થવાનો નથી. તેમણે કહ્યુ કે, 'હાલ જે વરસાદ થયો હતો જેના કારણે ભેજ છે એટલે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું, ડીસાનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું જ્યારે સુરતમાં તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું છે. કંડલાનું તાપમાન 15.6 ડિગ્રી નોંધાયું છે. કેશોદનો પારો 15.9 ડિગ્રી નોંધાયું છે. રાજકોટનું તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું છે.