દેવામાં ડુબેલા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ માટે આજનો દિવસ મહત્વનો છે. આ મંગળવારે રિલાયન્સ કેપિટલને લોન આપનારાની કમિટી એટલે કે COCની મહત્વની બેઠક યોજાવાની છે. કમિટી ઓફ ક્રેડિટર્સ ઇન્સોલ્વેન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા હેઠળ થનારી બેઠકમાં કંપનીના અધિગ્રહણ માટે હિંદુજા ગ્રુપ અને ટોરેન્ટ ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલી બોલીઓ પર વિચાર કરવામાં આવશે.
CoCની બેઠકમાં બિડ અંગે થશે વિચાર
અત્રે ઉલ્લેખનિય છે કે દેવામાં ડુબેલી રિલાયન્સ કેપિટલ માટે અમદાવાદની ટોરેન્ટ કંપનીએ રિલાયન્સ કેપિટલ માટે 8,640 કરોડ રૂપિયાની બોલી લગાવી છે. જ્યારે હિન્દુજા ગ્રૂપે રૂ.8,110 કરોડની બિડ કરી છે. દેવાના બોજ હેઠળ ડુબેલી કંપનીને વેચવા માટે બિડ મંગાવવામાં આવી હતી. કંપનીના ધિરાણકર્તાઓ એટલે કે CoCએ આ માટે રૂ. 6,500 કરોડની બેઝિક પ્રાઈસ રાખી હતી. ઓનલાઈન હરાજી હાથ ધરવામાં આવી હતી પરંતુ બાદમાં હિન્દુજા ગ્રૂપે સુધારેલી ડેટ રિઝોલ્યુશનની દરખાસ્ત મોકલીને તેની બિડ વધારીને રૂ. 9,000 કરોડ કરવાની ઓફર કરી હતી. એટલું જ નહીં, કંપનીએ આખી રકમ રોકડમાં ચૂકવવાની ઓફર પણ કરી છે.
IBC એક્ટ હેઠળ સૌથી મોટી બિડ
આજની મહત્વપૂર્ણ બેઠકમાં CoC આ બંને કંપનીઓની બિડ અંગે ચર્ચા કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે IBC એક્ટ હેઠળ નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપની માટે આટલા મોટા પાયે બિડિંગ કરવામાં આવ્યું હોય. કંપનીના મોટા ધીરાણકર્તાઓમાં LIC, EPFO જેવા નામોનો સમાવેશ થાય છે.