આપણે ત્યાં કેવું હોય છે કે એન્ડ્રોઈડ ફોન હોયને અને તમે કંઈ પણ વસ્તુ સર્ચ કરો એટલે ગુગલ જ ખુલે. જો કે દુનિયામાં બિંગ, યાહુ અને ડકડક ગો જેવા બીજા પણ સર્ચ એન્જિન છે પણ પ્રાધન્યતા તો ખાલી ગૂગલને જ આપવામાં આવે છે. પહેલા તો આઈફોનમાં વિકલ્પ આપવામાં આવતા હતા કે તમારે કયુ સર્ચ એન્જિન વાપરવું છે પણ હવે તો એમાં પણ ગૂગલ બાબાએ 166 કરોડ રૂપિયા આપીને સેટિંગ પાડી દીધું છે એવી વાતો સામે આવી રહી છે. અમેરિકામાં હવે એવું થવાનું છે કે ડિફોલ્ટ ચોઈસમાંથી ગૂગલ દૂર થઈ શકે એવી પરિસ્થિતિ છે.
કંઈ પણ સર્ચ કરવું હોય તો આપણે ફોનમાં ગુગલ ઓપન કરીએ છીએ
અમેરિકાના ન્યાય વિભાગે એવો આક્ષેપ કર્યો છે કે સર્ચ અને જાહેરાતો પર ગૂગલે ગેરકાયદેસર રીતે ઈજારાશાહી શરૂ કરી છે. આવી જ રીતે યુઝર્સને ટેવ પડાવી દીધી છે કે કંઈ પણ સર્ચ કરવું હોય તો ગૂગલ જ ખોલે. તમારે અને મારે પણ પરિસ્થિતિ એ જ હશે કે કંઈ પણ સર્ચ કરવું હોય મોબાઈલ પર આંગળીનું ટેરવું ગૂગલ પર જ અડી જાય છે. અને આ અડાડવા માટે જ ગૂગલ કરોડો અબજો રૂપિયા ખર્ચે છે. આ મામલે માઈક્રોસોફ્ટના સીઈઓ અને ભારતીય મૂળના સત્ય નડેલાએ ફરિયાદ કરી છે કે ગૂગલે યુઝર્સને સમ્મોહિત કરી દીધા છે. કંઈ પણ કરો તમે ગૂગલ જ ખોલો છો. એટલે હવે એવી સિસ્ટમ ઉભી કરો કે ફોનમાં સર્ચ કરવામાં ગૂગલ ડિફોલ્ટ તરીકે ન હોય અને યુઝરને જે સર્ચ એન્જિનથી સર્ચ કરવું હોય તે સર્ચ કરી શકે.
ફોનમાં ગૂગલ ડિફોલ્ટ તરીકે ન હોવું જોઈએ તેવી કરાઈ અરજી
ટૂંકમાં હવે વિચારણા થઈ રહી છે કે ગૂગલ સામે કોઈ પગલા લેવામાં આવે. અને ડિફોલ્ટ તરીકે ગુગલને રાખવામાં આવે એને સર્ચ એન્જિનમાંથી કાઢવામાં આવે. આવું કરવાથી ગૂગલના હરીફો છે તેને સારું પ્રદર્શન કરવાનો મોકો મળશે અને ગુગલને પણ સારું કરવાનો મોકો મળશે. આપણી રાજકીય પાર્ટીઓ જેવું છે કે એક સમયે સત્તા પક્ષની સામે વિપક્ષ ભયાનક રીતે આક્રામક થઈને બોલતું હતું અને હવે સત્તા પક્ષ હાવી થઈ જાય છે અને વિપક્ષ બોલી નથી શકતું. સ્વસ્થ લોકતંત્ર માટે જેટલો સત્તા પક્ષ દમદાર હોય એવો જ વિપક્ષ પણ દમદાર હોવો જોઈએ જેથી સત્તા પક્ષ કાબૂમાં રહે બાકી તે મનમરજી મુજબ વર્તવા લાગે છે.