હાલ દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે, દિવાળી દરમિયાન આપણે ત્યાં માતા લક્ષ્મી, માતા સરસ્વતી તેમજ ગણપતિજીની પૂજા કરવામાં આવે છે. ત્યારે અરવિંદ કેજરીવાલે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કેન્દ્ર સરકારને ચલણી નોટોમાં માતા લક્ષ્મી તેમજ ગણપતિજીનો ફોટો રાખવા અપિલ કરી છે. આ અંગે તેમણે કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી છે.
અર્થવ્યવસ્થા સુધારવા ભગવાનના આશીર્વાદ જરૂરી - કેજરીવાલ
અર્થવ્યવસ્થાને લઈ કેજરીવાલે નિવેદન આપતા કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સુધારવા માટે ઘણા પાસાઓ પર કામ કરવાની જરૂર છે. પરંતુ આની સાથે ભગવાનના આશીર્વાદ પણ જરૂરી છે. ગણેશ ભગવાન અને લક્ષ્મી માતાની પૂજાનું ઘણું મહત્વ રહેલું છે. તેમની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેવામાં આપણે અર્થવ્યવસ્થા સુધારાવી હશે તો પણ ભગવાનના આશીર્વાદ જોઈશે.
પૂજા કરતી વખતે કેજરીવાલને આવ્યો વિચાર
વધુમાં તેમણે કહ્યું કે જ્યારે અહીં ભગવાનની દિવાળીમાં પૂજા થઈ રહી હતી ત્યારે મને એક વિચાર આવ્યો કે આપણે સમૃદ્ધિ અને સુખ માટે ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. તો આપણી ચલણી નોટ પર પણ તેમની તસવીર હોવી જોઈએ. ગાંધીજીની તસવીર સાથે માતા લક્ષ્મી અને ગણપતિની તસવીર પણ હોવી જોઈએ. વધુમાં કેજરીવાલે કહ્યું કે અમે દેશમાં જે ચલણી નોટ ચાલી રહી છે તેને પરત લેવાની વાત નથી કરતા. પરંતુ હવે આગળ જે નવી નોટ છપાય તેમાં આવી તસવીર રાખવી જોઈએ.