લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી ઓપરેશન લોટસ પર પૂરેપૂરી તૈયારીઓ કરી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનું વ્યાપ વધે તે માટે આયોજનો કરવામાં આવી રહ્યા છે. સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે જેની જવાબદારી ભાજપે ઉપાધ્યક્ષ ભરત બોઘરાને સોંપી છે. ભરત બોધરાની અધ્યક્ષતામાં એક કમિટી રચવામાં આવી છે એટલે ફરી ભરત બોઘરા નવા વરરાજા લાવશે જે રાજીનામું આપશે અને તે એના અનવર બનશે. બીજી પાર્ટીના નેતાઓને ભાજપમાં લાવવામાં આવશે અને ભાજપમાં ભરતીમેળો થશે...!
ભરત બોઘરાની અધ્યક્ષતામાં રચાઈ કમિટી
આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. સામ, દામ,દંડ ભેદનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા અપનાવામાં આવશે. ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપનો વ્યાપ વધારવા માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. અન્ય પક્ષના નારાજ નેતાઓને પક્ષમાં જોડવા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની અધ્યક્ષતામાં એક કમિટી રચાઈ છે જેની જવાબદારી હશે બીજી પાર્ટીના નારાજ નેતાઓને ભાજપમાં જોડવાની. આ કમિટીમાં નાયબ દંડક જગદીશ મકવાણા, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, વડોદરા જિલ્લા પ્રભારી રાજેશ પાઠક અને ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ હિમાંશુભાઈ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપમાં શરૂ થશે ભરતી મેળો!
આ કમિટી અન્ય પક્ષના કયા નારાજ નેતાને ભાજપમાં સામેલ કરવા તે અંગેનો રિપોર્ટ સોંપશે. તે અંગેના અભિપ્રાયો આપશે. આ કમિટીનો હેતુ રહેશે કે પ્રદેશ અને જિલ્લા, મહાનગર સ્તર પર સરપંચ પદ પરથી ચૂંટણી લડેલા અન્ય પાર્ટીઓના કે અપક્ષ ઉમેદવારો, સમાજના અને વિવિધ ક્ષેત્રના આગેવાનોના નામોની યાદી તૈયાર કરીને મોટી સંખ્યામાં પક્ષમાં જોડવાનો. મહત્વનું છે કે ડિસેમ્બરમાં એક જ અઠવાડિયામાં આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ખંભાતના ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. આ ધારાસભ્યો જ્યારે રાજીનામું આપવા ગયા ત્યારે એક ચહેરો કોમન હતો. અને તે હતા ભરત બોઘરા. ત્યારે હવે એ જ ભરત બોઘરાને આ કમિટીનું સુકાન સોંપવામાં આવ્યું છે. એટલે હવે જલ્દી જ રાજીનામાનું જે નાટક હતું, જેના પર વિરામ મુકાયો હતો એ હવે ફરી શરૂ થઈ શકે છે.
આઠ સિનિયર નેતાઓને સોંપવામાં આવી જવાબદારી
લોકસભાની ચૂંટણી માટે ભાજપ અત્યારથી તડામાર તૈયારીઓ કરી રહ્યું છે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઠ દિગ્ગજ નેતાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને 3 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદિપસિંહને વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય અમિત ઠાકરને બનાસકાંઠા, કચ્છ, પાટણ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે.