લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ ગુજરાતના અનેક ધારાસભ્યો પોતાના પદ ઉપરથી રાજીનામું આપી રહ્યા છે. ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે ફરી એક વખત ભાજપમાં ભરતી મેળો થવાનો છે તેવી માહિતી સામે આવી છે. ભાજપમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો જોડાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. જેમની વાત થઈ રહી છે તે જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા છે. તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. કમલમ ખાતે નેતાઓ પહોંચી ગયા છે.
કોંગ્રેસના ધારાસભ્યો આપી ચૂક્યા છે ધારાસભ્ય પદ પરથી રાજીનામું
ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી સમયે જોડતોડની રાજનીતિ જોવા મળતી હોય છે. પક્ષને રામ રામ કરી બીજી પાર્ટીમાં નેતાઓ જોડાઈ જતા હોય છે અને ચૂંટણી સમયે તો આવું અવારનવાર જોવા મળતું હોય છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું તે બાદ કોંગ્રેસના ચિરાગ પટેલ તેમજ સી.જે.ચાવડાએ પદને છોડ્યું હતું. તો થોડા દિવસ પહેલા વિપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. એવી લાગી રહ્યું હતું કે આ લોકો ગમે ત્યારે કેસરિયો ધારણ કરી શકે છે. ત્યારે આજે કમલમમાં વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂર્વ ધારાસભ્યો કરી શકે છે કેસરિયો ધારણ
ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરિયો ધારણ કરી શકે છે તેવું લાગી રહ્યું છે. કમલમ ખાતે પૂર્વ ધારાસભ્ય પહોંચી ગયા છે. લોકસભાની ચૂંટણી પહેલા ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ઘરવાપસી કરી શકે છે. તે ઉપરાંત બીજા નામની જે ચર્ચા થઈ રહી છે તે ચિરાગ કાલરિયા છે. જામ જોધપુરના પૂર્વ ધારાસભ્ય અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય આજે ભાજપમાં જોડાઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. કમલમમાં નેતાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે બાલકૃષ્ણ પટેલ તો પહેલા ભાજપના જ હતા. 2022માં ટિકિટ ન મળવાને કારણે તેમણે ભાજપ છોડી હતી.