વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની શરૂઆત થઈ ગઈ છે. તાજેતરના થયેલા સર્વેમાં, ભારતના 66% CEOએ કહ્યું છે કે તેઓ આગામી 12 મહિનામાં આર્થિક મંદી જોઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે, 86% CEO કહે છે કે તેઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ માહિતી સામે આવી છે. ભારતમાં, 58% ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સનું માનવું છે કે આગામી 12 મહિનામાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદી જોવા મળી શકે છે, જેની અસર તુલનાત્મક રીતે ઓછી પડશે.
વસ્તીની આંતરિક વપરાશ મોટો સહારો
ભારતના 82% થી વધુ સીઈઓને વિશ્વાસ છે કે ટૂંકા ગાળામાં વૈશ્વિક અર્થતંત્રમાં મંદી આવવાથી તેમના પર વધુ ગંભીર અસર પડશે નહીં. તેઓને લાગે છે કે લાંબા ગાળે ભારતનો ગ્રોથ આઉટલુક વધુ સારો છે. દેશની વિશાળ વસ્તીની આંતરિક વપરાશ સારી હોવાથી મંદીને પહોંચી વળવામાં તેમને મદદ મળશે.
મંદીની અસર ટૂંકા ગાળા માટે થશે
ભારતમાં સીઈઓ કંપનીના ગ્રોથની સંભાવનામાં ઘટાડો જોઈ રહ્યા છે. આ સાથે જ તેઓ દેશના જીડીપીમાં ઘટાડો થવાની પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમને લાગે છે કે ટૂંકા ગાળા માટે વૈશ્વિક મંદીની અસર ભારતના અર્થતંત્ર પર પણ જોવા મળી શકે છે.