વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ચીન, અમેરિકા, જાપાન જેવા દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ બધા દેશોમાં વધતા કોરોના કહેરને જોતા ભારત સરકાર સતર્ક બની છે. અનેક ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. વધતા કોરોના કેસને જોતા ગુજરાતના અનેક પર્યટકો સ્થળો માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.
માસ્ક પહેર્યા વગર નહીં મળે એન્ટ્રી
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ક્રિસમસ વેકેશન પણ હાલ ચાલી રહ્યું છે. જેને કારણે અનેક લોકો વેકેશન મનાવા ફરવા જતા હોય છે. ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો છે. તેમાં સ્યેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોરોના ફરી એક વખત માથું ઉચકી રહ્યું છે. સાવચેતીના ભાગરૂપે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર સતર્ક બની છે. અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવતા પ્રવાસીઓ માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે અંતર્ગત માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક પહેર્યા વગર એન્ટ્રી નહીં આપવામાં આવે. સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ ઉપરથી આ માહિતી અંગેની ટ્વિટ કરી છે.
વિકએન્ડ પર હજારો પ્રવાસીઓ લે છે સ્થળની મુલાકાત
ક્રિસમસના સમયગાળા દરમિયાન પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે. અનેક લોકો રજાની મજા માણવા ફરવા નિકળતા હોય છે. એમા પણ આ વખતે ક્રિસમસ વિકએન્ડના દિવસોમાં હતું જેને કારણે પ્રવાસીઓની સંખ્યા વધે તે સ્વભાવિક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટેનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. એક અંદાજ પ્રમાણે શનિવાર તેમજ રવિવારના દિવસો દરમિયાન હજારોની સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા હોય છે. ત્યારે કોરોના સંક્રમણના ખતરાની વચ્ચે ગાઈડલાઈન્સ જાહેર કરી દેવામાં આવી છે. મુલાકાતે આવતા તમામ પ્રવાસીઓએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે, ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પણ ધ્યાન રાખવું પડશે. માસ્ક વિના કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે તેવું ટ્વિટ કરવામાં આવ્યું હતું.