પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકો રોષે ભરાયા હતા. આ બધા વચ્ચે લોકસભા ચૂંટણીનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું. ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે ,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'
ઈલેક્શન બાદ પરષોત્તમ રૂપાલાએ ફરી માગી માફી
લોકસભા ચૂંટણી રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા સૌથી વધારે થઈ.. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે.. ક્ષત્રિય સમાજની માગ હતી કે તેમની ટિકીટ રદ્દ કરવામાં આવે.. વિરોધના વંટોળ વચ્ચે તેમણે ઉમેદવારી ફોર્મ ભર્યું અને ગઈકાલે લોકસભા ચૂંટણી ગુજરાતમાં પૂર્ણ થઈ.. ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વખત આ વિવાદને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. સી,આર.પાટીલે પણ ક્ષત્રિય સમાજની માફી માગી અને પરષોત્તમ રૂપાલાએ પણ અનેક વખત માફી માગી. લોકસભા ચૂંટણી પૂર્ણ થાય બાદ આજે ફરી એક વખત પરષોત્તમ રૂપાલાએ માફી માગી છે. જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીનો ઉલ્લેખ કર્યો હતો.
નિવેદન બાદ ક્ષત્રિય સમાજની સામે આવી પ્રતિક્રિયા
પરષોત્તમ રૂપાલાની માફી બાદ ક્ષત્રિય સમાજના આગેવાનોએ મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે. તેમણે માંગેલી આ પહેલાની માફી રાજકીય જ હતી તે તેમના આજના નિવેદન પરથી જાણી શકાય છે. ત્યારે જોવું રહ્યું કે આ મામલે આગળ શું થાય છે?