હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણીના શેરોમાં તેમજ અદાણીની સંપત્તિનું ધોવાણ થઈ રહ્યું છે. સંસદમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો અને વિપક્ષ દ્વારા હોબાળો કરતા સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. આ બધા વચ્ચે કેન્દ્રીય નાણામંત્રીએ નિર્મલા સીતારમણે એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ઘટનાને લીધે દેશની આર્થિક સ્થિતિ અને પ્રતિષ્ઠાને કોઈ અસર થઈ નથી. આ મુદ્દાને લઈ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા પોતાની સ્પષ્ટતા અગાઉ જ કરવામાં આવી છે.
સંસદમાં અદાણી મુદ્દે થયો હતો જોરદાર હંગામો
થોડા દિવસો પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં અદાણી ગ્રુપને અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોની કિંમતોમાં ભારે કડાકો આવ્યો હતો. તે બાદ અચાનક અદાણીએ પોતાનો એફપીઓ પાછા ખેંચવાની વાત કરી હતી. અદાણી મુદ્દે સંસદમાં પણ હંગામો કરવામાં આવ્યો હતો. આ બધા વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક નિવેદન આપ્યું હતું
કેન્દ્રીય નાણામંત્રીએ આપી પ્રતિક્રિયા
પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે આપણા દેશમાં પ્રથમ વખત એફપીઓ પરત ખેંચવામાં નથી આવ્યા. આ અગાઉ અનેક વખત એફપીઓ પાછા ખેચવામાં આવ્યા છે. એફપીઓ આવવા અને જવાએ સામાન્ય બાબત છે. વધુમાં તેમણે કહ્યું કે નિયમનકારી એજન્સી પોતાનું કામ કરી રહી છે. દેશની અર્થવ્યવસ્થા મજબૂત સ્થિતિમાં છે અને અદાણી એન્ટરપ્રાઈઝ વિવાદને કારણે કોઈ અસર નહી થાય. નિયમનકારી એજન્સી પોતાનું કામ કરી રહી છે. આ નિવેદન નિર્મલા સીતારમણે બજેટ માટે આયોજીત એક કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું.
આરબીઆઈએ પણ અદાણી મુદ્દે આપી હતી પ્રતિક્રિયા
આ અંગે આરબીઆઈ દ્વારા શુક્રવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મધ્યસ્થ બેંકે કહ્યું હતું કે મીડિયામાં એવા અહેવાલ આવ્યા છે કે જેમાં ભારતીય બેંકોના એક કારોબારી સમૂહને આપવામાં આવેલા ધિરાણાને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. નિયમનકાર અને પર્યવેક્ષક સ્વરૂપમાં આરબીઆઈની સ્થિરતા જાળવી રાખવા માટે બેન્કિંગ ક્ષેત્ર તથા વ્યક્તિગત બેંકો પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આરબીઆઈ પાસે સેન્ટ્રલ રિપોઝીટરી ઓફ ઈન્ફોર્મેશન ઓન લાર્જ ક્રેડિટ્સ ડેટાબેઝ સિસ્ટમ છે. અહીં બેંક પાંચ કરોડ રૂપિયા અને તેનાથી વધારેના રોકાણને લગતો રિપોર્ટ કરે છે. તેનો ઉપયોગ બેંકો માટે ધિરાણોની દેખરેખ માટે કરશે.