રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ક્લીન નોટ પોલીસી હેઠળ રૂ2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. 2000 રૂપિયાની નોટ ચલણમાં બંધ થઈ શકે છે પરંતુ 2000 રૂપિયાની નોટ કાયદેસર રીતે માન્ય રહેશે. RBIએ કહ્યું છે કે 30 સપ્ટેમ્બર 2023 સુધી બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. આ સાથે, બેંકોની શાખાઓમાં અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં 2000 રૂપિયાની નોટ અન્ય મૂલ્યના ચલણ સાથે બદલી શકાય છે. આ અંગે RBI ગવર્નર શક્તિકાંત દાસે જાણકારી આપતા કહ્યું હતું કે અત્યાર સુધીમાં 1.80 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટો બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. તેમણે કહ્યું કે 31 માર્ચ 2023 સુધી ચલણમાં હતી તે 2000 રૂપિયાની 50 ટકા નોટો એટલે કે 50 ટકા નોટો પાછી આવી ગઈ છે. RBI ગવર્નરે જણાવ્યું કે આ સમયગાળા સુધી બેંકિંગ સિસ્ટમમાં 3.62 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી.
85 ટકા નોટો બેંક ખાતામાં જમા થઈ
RBI ગવર્નરે કહ્યું કે 2,000 રૂપિયાની બેંક નોટમાંથી 85 ટકા સીધી બેંક ખાતામાં જમા થઈ રહી છે. તેમણે કહ્યું કે આ સંપૂર્ણપણે અમારી અપેક્ષાઓ અનુસાર છે અને બેંકોમાં નોટો જમા કરાવવા માટે કોઈ ઉતાવળ કે ગભરાટ નથી. RBI ગવર્નરે કહ્યું કે 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવા માટે 4 મહિનાનો સમય છે અને તેમણે કહ્યું કે નોટો જમા કરાવવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી.
રૂ. 500 અને 1000ની નોટો અંગે કહીં આ વાત
RBI ગવર્નર શક્તિકાંત દાસને જ્યારે પૂછવામાં આવ્યું કે શું 1000 રૂપિયાની નોટને ફરીથી શરૂ કરી શકાય છે કે 500 રૂપિયાની નોટ પાછી ખેંચી શકાય છે? આરબીઆઈ ગવર્નરે તેના જવાબમાં કહ્યું કે તેમની પાસે આ વિશે કોઈ માહિતી નથી. તેમણે 500 રૂપિયાની નોટ અંગે પણ જણાવ્યું કે આ નોટોને ચલણમાંથી બહાર કરવાનો કોઈ ઈરાદો નથી. આ સંબંધમાં ચાલી રહેલી ચર્ચા ભ્રામક છે. તેમણે લોકોને આ પ્રકારની અફવા પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી હતી.