બોલિવૂડની એક સમયની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડને સોમનાથ મંદિરમાં સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. 90ના દાયકાની ટોચની અભિનેત્રી રવિના ટંડન તેની પુત્રી રાશા ટંડન સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સોમનાથનો જલાભિષેક કરી હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારીએ અભિનેત્રી રવિના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ તથા જ્યોતિર્લિંગની તસવીર આપી આશિર્વાદ પાઠવ્યા હતા. રવિના ટંડનને જોવા મંદિર પરીસર ખાતે લોકોની ભીડ એકઠી થઈ હતી.
સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી
રવિના અને રાશાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલ તસવીરોમાં બંને ભક્તિમાં ડૂબેલી જોઈ શકાય છે. મા-દીકરીએ સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કર્યા. માતા અને પુત્રી બંને ટ્રેડિશનલ લુકમાં છે અને બંનેએ માથા પર શિવ તિલક લાગેલું છે. બંનેના દર્શનના વીડિયો ઘણા વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનિય છે કે બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન છેલ્લા ઘણા સમયથી તે ધાર્મિક સ્થળ પર જોવા મળી રહી છે. રવિના ટંડન તેની પુત્રી રાશા સાથે 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી રહી છે, ત્યારે તેણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પણ દર્શન કર્યા છે.