મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લામાં રામ નવમીના અવસર પર એક મોટી દુર્ઘટના થઈ છે. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ મંદિરમાં વાવની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી જતા હાહાકાર મચી ગયો છે. વાવમાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે રામ નવમી પર મોટી સંખ્યામાં લોકો મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. લોકો પૂજા-અર્ચના કરી આરતી કરી રહ્યા હતા. મંદિરમાં પૂજા દરમિયાન, 20-25 લોકો વાવની છત પર ઉભા હતા, આ જ સમયે છત ધસી ગઈ હતી. છત તૂટી પડવાને કારણે લગભગ 20-25 લોકો વાવમાં પડી ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિરમાં એક વાવ હતી, તેના પર 10 વર્ષ પહેલા છત નાખવામાં આવી હતી.
બચાવ કામગીરી શરૂ
વાવમાં પડેલા લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. કલેક્ટર ઇલૈયારાજા, પોલીસ કમિશનર મકરંદ દેઉસ્કર અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. રેસ્ક્યુ ટીમ, પોલીસ અને સ્થાનિક લોકો લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, આ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.