લાખો કરોડો રામ ભક્તો એ ક્ષણની રાહ જોઈ રહ્યા છે જ્યારે ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપના ભવ્ય મંદિરમાં કરવામાં આવશે. 22 જાન્યુઆરીએ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે જેને લઈ અયોધ્યામાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.કરોડો હિંદુઓની આસ્થા આ મૂર્તિ સાથે જોડાયેલી છે. મંદિરમાં ભગવાન શ્રી રામની કઈ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તે અંગેની જાણકારી સામે આવી છે. મૂર્તિની પસંદગી કરવામાં આવી ગઈ છે જેના દર્શન રામ ભક્તો કરવાના છે. જે મૂર્તિ પર નજર ઠરી છે તે મૂર્તિ આપણા દેશના મૂર્તિકાર યોગીરાજ અરૂણ દ્વારા બનાવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપવામાં આવી છે.
22 જાન્યુઆરીએ થવાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા
રામ મંદિરમાં કઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે તે અંગેની ચર્ચા છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિની પસંદગી કરવાની હતી અને તેની પસંદગી થઈ ગઈ છે. રામ મંદિરમાં કર્ણાટકના શિલ્પકાર અરૂણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભવ્ય કાર્યક્રમનું આયોજન થવાનું છે. આ ઉત્સવને લઈને રામનગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. મૂર્તિની પંસદગી કરવામાં આવી છે જે દેશના પ્રખ્યાત શિલ્પકાર યોગારાજ અરૂણ દ્વારા બનાવવામાં આવી છે. આ વાતની જાણકારી પ્રહલાદ જોષીએ આપી છે.
પ્રહલાદ જોશીએ આપી આ અંગેની જાણકારી
તેમણે લખ્યું છે કે જ્યાં રામ છે, ત્યાં હનુમાન છે. 'જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આપણા દેશના પ્રસિદ્ધ શિલ્પકાર, આપણા ગૌરવ યોગીરાજ અરુણજી દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે. આ વાતની જાણ જ્યારે શિલ્પકારના માતાને થઈ ત્યારે તે ગદગદ થઈ ગયા હતા કારણ કે તેમના પુત્ર દ્વારા બનેલી મૂર્તિના દર્શન રામ ભગવાનના કરોડો ભક્ત કરશે.
પુત્રની સફળતા જોઈને ખુશ છું - શિલ્પકાર અરુણની માતા
દુનિયામાં માત્ર માતા પિતા જ એવા વ્યક્તિ હોય છે જે દિલથી ઈચ્છતા હોય છે કે તેમનું સંતાન તેમના કરતા પણ વધારે સફળ થાય. બાળકની નાની નાની સફળતામાં પણ વાલીઓ ખુશ થઈ જતા હોય છે. શિલ્પકાર અરૂણની માતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ આનાથી ખૂબ ખુશ છે. તેમની માતાએ કહ્યું કે તેમના પુત્રએ તેમને રામ લલ્લાની મૂર્તિ પણ બતાવી ન હતી. તેમણે કહ્યું કે આ અમારા માટે ગૌરવની ક્ષણ છે, હું તેને મૂર્તિ બનાવતા જોવા માંગતી હતી પરંતુ તેણે કહ્યું કે તે મને છેલ્લા દિવસે લઈ જશે. હું પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અયોધ્યા જઈશ. હું મારા પુત્રની પ્રગતિ અને સફળતા જોઈને ખુશ છું. તેની સફળતા જોવા તેના પિતા હાજર નથી.