22 જાન્યુઆરી 2024ની રાહ જોવાઈ રહી છે.આ એ તારીખ છે જ્યારે રામ લલ્લા મંદિરમાં બીરાજમાન થશે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠા અંગેની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા દેશ વિદેશથી લોકો આવવાના છે. અયોધ્યા ખાતે થનારા આ દિવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવવાના છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન હશે. એવી માહિતી સામે આવી છે કે રામ મંદિર આંદોલનના મોટા ચહેરામાં સામેલ અને ભાજપના સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ નહીં થાય.
રામ મંદિરના પ્રતિષ્ઠામાં સામેલ નહીં થાય આ બે દિગ્ગજ નેતા!
રામ મંદિર આંદોલનના મુખ્ય ચહેરાઓમાના બે દિગ્ગજ ચહેરાઓ એવા લાલ કૃષ્ણ અડવાણી તેમજ મુરલી મનોહર જોશીઆ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ નહીં થાય. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં અડવાણી અને જોશી સામેલ નહીં થાય તે અંગેની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બન્ને પરિવારના વૃદ્ધ છે અને તેમની ઉંમરને જોતા તેમને ના આવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, જેનો બન્નેએ સ્વીકાર કરી લીધો છે.
આટલા લોકોને અપાયું છે આમંત્રણ
વધુમાં તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાને સમારંભમાં આમંત્રણ આપવા ત્રણ સભ્યોની ટીમની રચના કરવામાં આવી છે, તેમણે કહ્યું કે વિવિધ પરંપરાઓના 150 સાધુ-સંતો અને છ દર્શન પરંપરાઓના શંકરાચાર્યો સહિત 13 અખાડા આ સમારંભમાં સામેલ થશે. કાર્યક્રમમાં લગભગ ચાર હજાર સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય 2200 અન્ય મહેમાનોને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
દર્શનાર્થીઓ માટે આ તારીખે ખુલ્લા મૂકાશે મંદિરના દ્વાર
મહત્વનું છે કે આ પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા માટે અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ યાદીમાં આધ્યાત્મિક ગુરૂ દલાઇ લામા, કેરલની માતા અમૃતાનંદમયી, યોગ ગુરૂ બાબા રામદેવ, અભિનેતા રજનીકાંત, અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અરુણ ગોવિલ, ફિલ્મ ડિરેક્ટર મધુર ભંડારકર, બિઝનેસમેન મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ઇસરોના ડિરેક્ટર નીલેશ દેસાઇ અને અન્ય કેટલીક જાણીતી હસ્તીઓ પણ પ્રાણ-પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થશે. સામાન્ય દર્શનાર્થીઓ માટે મંદિર 23 જાન્યુઆરીથી ખોલવામાં આવશે.