અયોધ્યામાં નિર્મણાધીન ભગવાન શ્રી રામના મંદિરને લઈને મોટા સમાચાર આવ્યા છે. રામ મંદિરનું નિર્માણકાર્ય ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગીરીજી મહારાજે જાણકારી આપી છે કે મંદિરનું 70 ટકા કાર્ય પૂર્ણ થઈ ગયું છે. જાન્યુઆરી 2024ના ત્રીજા સપ્તાહ સુધીમાં ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપના થઈ જશે. આ દિવસથી જ શ્રધ્ધાળુંઓ ભગવાન શ્રી રામના દર્શન અને પૂજા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
પીએમ મોદી કરશે મૂર્તિ સ્થાપના
સ્વામી ગોવિંદ દેવ ગીરી મહારાજે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ડોમ્બિવલીમાં આયોજીત એક કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે જાન્યુઆરી 2024માં પીએમ મોદીના હસ્તે રામ લલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ચૂંટણીને લઈ સામે આવી રહેલા સમાચારોને અંગે તેમણે સ્પષ્ટતા કરી કે મંદિર નિર્માણ અને 2024ની લોકસભા ચૂંટણીને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી.