બોલિવૂડના કેટલાક ફિલ્મમેકર્સ પર વારંવાર હિન્દુ ધર્મની મજાક બનાવાના આરોપોના કારણે બોલિવૂડની ફિલ્મો સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી બોયકટ ટ્રેન્ડનો સામનો કરી રહ્યું છે ત્યારે આ વખતે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર પ્રભાસની બીગ બજેટ ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર લોન્ચ થયાની સાથે જ વિવાદમાં આવી ગયું છે. સોશિયલ મીડિયામાં લોકોએ આ ફિલ્મ પર હિંદુ ધર્મની મજાક બનાવાના આરોપો લગાવ્યા છે, ઉપરાંત આ ફિલ્મના ઘણા પાત્રો પણ લોકોને પસંદ નથી આવી રહ્યા. એવામાં રામાનંદ સાગરની "રામાયણ"માં રામનું પ્રખ્યાત પાત્ર ભજવનાર અરુણ ગોવિલનું નિવેદન સામે આવ્યુ છે,
જાણો શું કહ્યું અરુણ ગોવિલે?
અરુણ ગોયલે એક વિડિઓ શેર કરતા કહ્યું હતું કે, "રામાયણ અને મહાભારત આપણો સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો છે. આ ગ્રંથો માનવ સભ્યતાના મૂળ સમાન છે. તેમની સાથે છેડછાડ કરવી યોગ્ય નથી. આવા ગ્રંથોથી સંસ્કાર મળે છે. આ ધાર્મિક વારસો આપણને જીવન જીવાની કલા શીખવાડે છે. વધુમાં તેમણે ફિલ્મમેકર્સ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "ફિલ્મ નિર્માતાઓને કોણે અધિકાર આપ્યો કે ક્રિએટિવિટીના નામ પર ધર્મનો મજાક બનાવે?".
મોદીજી આ દેશ તમારો ઋણી રહેશે: અરુણ ગોવિલ
વધુમાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, "પ્રધાનમંત્રી મોદીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વના કારણે આજે દેશના દરેક ખૂણામાં આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ઓળખ મળવાનું શરૂ થયું છે. દેશમાં ઘણા સ્થળો પર ધાર્મિક કોરિડોર બની રહ્યા છે, જેથી આપણા સાંસ્કૃતિક વારસાનું રક્ષણ થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીજી આ દેશ તમારો સદૈવ ઋણી રહેશે."