રાજ્યમાં ધોરણ 1 થી 12 પાઠયપુસ્તકોનું પ્રકાશન કરતા ગુજરાત રાજય શાળા પાઠયપુસ્તક મંડળમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. પાઠ્યપુસ્તક મંડળમાં ચાલતો ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ તેની તપાસ રાજ્ય વિજિલન્સને સોંપવામાં આવી છે. વિજિલન્સને તપાસ સોંપતા ટેન્ડરની પ્રક્રિયાના તમામ દસ્તાવેજ વિજિલન્સ દ્વારા કબજે કરાયા બાદ હવે કાગળનો ઓર્ડર પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે.વિજિલન્સનો રિપોર્ટ આવ્યા બાદ ટેન્ડર અંગે આખરી નિર્ણય કરવામાં આવશે. જો ગેરરીતિ થઈ હશે તો સંડોવાયેલા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
સરકારી તિજોરીને 60 કરોડનું નુકસાન
પાઠ્યપુસ્તક મંડળ પાસેથી વિજિલન્સે કબજે કરેલા ટેન્ડરને લગતા તમામ ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ટેન્ડર ફાળવણી દરમિયાન થયેલી ગેરરીતીના કારણે સરકારી તિજોરીને 60 કરોડના નુકસાનનો દાવો કરવામાં આવ્યો હતો. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કાગળોની ખરીદી માટે ટેન્ડર મંગાવ્યા હતા અને બાદમાં કાગળ ખરીદવાના ઓર્ડર કરાયા હતા.દરમિયાન મુખ્યમંત્રી કક્ષાએ એક ફરિયાદ કરવામાં આવી કે ટેન્ડરમાં એક મિલ દ્વારા પ્રતિ કિલો કાગળનો ભાવ રૂ. 90 ભર્યો હતો આમ છતાં ટેન્ડર પ્રતિ કિલો રૂ.108.80 ભાવથી મંજૂર કરીને ઓર્ડર આપવામાં આવ્યો છે. ટેન્ડર ફાળવણીની ગરબડીમાં 60 કરોડ રૂપિયાનું સરકારી તિજોરીને નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે.
કાગળનો ઓર્ડર સ્થગિત
પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આપવામાં આવેલો કાગળનો ઓર્ડર સ્થગિત કરવામાં આવ્યો છે. ટેન્ડર બાદ પાઠ્યપુસ્તક મંડળે 32 હજાર મેટ્રિક ટનનો ઓર્ડર આપ્યો હતો તે ઘટાડીને 12 હજાર મેટ્રિક ટનનો કરાયો હતો. વિજિલન્સને તપાસ સોંપાયા બાદ ઓર્ડર 12 હજાર મેટ્રિક ટનના બદલે 5 હજાર મેટ્રિક ટન કરી દેવાયો હતો. પુસ્તકોના છાપકામમાં અસર ન થાય માટે હાલ ટેન્ડર રદ્દ કરાયું નથી.