તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ' બ્રાયનને અભદ્ર આચરણ અને અધ્યક્ષની સુચનાની અવહેલના કરવાના કારણે ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્ય સભામાં નક્કી થયેલા અજેન્ડા પર સવાલો પુછાયા બાદ રાજય સભા અધ્યક્ષ જગદીપ ધનખડે મણિપુરની સ્થિતી પર ચર્ચા માટે વિપક્ષી દળો પાસે માગ કરી અને કહ્યું કે આ અજેન્ડામાં હતો પણ ફળિભૂત થયો નથી.
ડેરેક ઓ બ્રાયને ઉઠાવ્યા સવાલ
ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન ઔચિત્યના પ્રશ્નનો મુદ્દો ઉઠાવવા માટે ઉભા થયા હતા. અધ્યક્ષે તેમને ચેતવ્યા કે તે ઔચિત્યના પ્રશ્ન સિવાય કાંઈક ન બોલે. ટીએમસીના સભ્યએ સ્પષ્ટ રીતે નિયમ 267 હેઠળ ચર્ચા માટે વિપક્ષો દ્વારા આપવામાં આવેલી નોટિસનો ઉલ્લેખ કર્યો હતો. ચેરમેને ડેરેક ઓ બ્રાયનું નામ લઈને તેમને ફરીથી ચેતવ્યા હતા. ત્યાર બાદ પીયૂષ ગોયલે ડેરેક ઓ બ્રાયનને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.
બ્રાયન સામે અધ્યક્ષનું આકરૂ વલણ!
રાજય સભા અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું ડેરેક ઓ બ્રાયને અભદ્ર આચરણ કરવા અને ચેરની સુચનાની અવગણના કરવા બદલ મોનસુન સત્રથી સસ્પેન્ડ કર્યા છે. તેમણે કહ્યું કે બ્રાયનનો વ્યવહાર નિમ્ન કક્ષાનો હતો. તેમની પોઝિશન જોતા તે ન્યાયસંગત પણ નથી. તેમણે મર્યાદા તોડી છે અને તે જાણી જોઈને કર્યું છે.