કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની એઈમ્સમાં સારવાર ચાલી રહી છે. દેશભરના લાખો ચાહકો તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. હાલ રાજુ શ્રીવાસ્તવ વેન્ટીલેટર પર છે. ડોક્ટર પણ તેમની સ્થિતી પર નજર રાખી રહ્યા છે. સામાન્ય લોકોની સાથે-સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ફિલ્મજગતની જાણીતી હસ્તીઓ પણ રાજુના સ્વાસ્થ્યને લઈ ચિતિંત છે. આ દરમિયાન રાજુની પુત્રી અંતરાએ પણ પાપાની હેલ્થ અપડેટ આપી છે.
રાજુની પુત્રીની પ્રાર્થના માટે અપીલ
રાજુની પુત્રીએ સોશિયલ મીડિયા દ્વારા હેલ્થ અપડેટ આપી છે, અંતરાએ જણાવ્યું કે પાપાની હાલત સ્ટેબલ છે. તે ધીરે-ધીરે સાજા થઈ રહ્યા છે. જો કે તે હજુ પણ વેન્ટીલેટર પર જ છે. અંતરાએ લોકોને અપીલ કરી કે તે કોઈ પણ પ્રકારના અન્ય સમાચારો અને નિવેદનો પર ભરોસો ન કરે. લોકો માત્ર એઈમ્સ અથવા તો રાજુ શ્રીવાસ્તવના સત્તાવાર સોશિયલ મીડિયા પર જ વિશ્વાસ કરે. રાજુના પરિવારે પણ ફેન્સ અને શુભચિંતકોનો આભાર માનતા લોકોને પ્રાર્થના કરતા રહેવાની વિનંતી કરી હતી.
રાજુની હાલત સ્ટેબલ
એઈમ્સના ન્યૂરોલોજી વિભાગના સ્પેશિયલ ડૉક્ટર્સની ટીમ 24 કલાક રાજુની દેખરેખ કરે છે. ડૉ. આંચલ શ્રીવાસ્તવના નેતૃત્વમાં તેમની સારવાર ચાલે છે. 10 ઇન્જેક્શન બહારથી મંગાવવામાં આવ્યા હતા. તે ઇન્જેક્શન આપ્યા બાદ તબિયત લથડી હતી. રાજુના બ્રેઈન સિવાયના શરીરના તમામ ભાગ સારી રીતે કામ કરી રહ્યા છે. ડૉક્ટર્સ પોતાના તરફથી શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રાજુની હાલતમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે.
રાજુની તબિયત કેમ લથડી?
રાજુ શ્રીવાસ્તવ 10 ઓગસ્ટે જીમમાં કસરત કરી રહ્યા હતા તે સમયે જ અચાનક જ તે બેભાન થઈ ગયા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે રાજુએ ટ્રેડ મિલ પર વધુ પડતું વર્ક આઉટ કર્યું તેના કારણે તબિયત બગડી હતી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે રાજુના બ્રેઈનના 2 ભાગમાં ઓક્સિજન સ્પ્લાય સારી રીતે થઈ રહ્યો છે. ડોક્ટરની ચિંતા ફોરબ્રેઈન એટલે કે તેમના મગજના ઉપરના ભાગની છે, રાજુના મગજના ઉપરના ભાગ સુધી ઓક્સિજન પહોંચી શક્તો ન હોવાથી તેમને સંપુર્ણપણે હોશમાં આવવામાં તકલીફ થઈ રહી છે. આ જ કારણે રાજુ હજુ પણ વેન્ટિલેટર પર છે.