સામાન્ય રીતે સાહિત્યના સમીપમાં અમે સાહિત્યની રચનાઓ પ્રસ્તુત કરતા હોઈએ છીએ. પરંતુ આજે અંજલી ગીત રજૂ કરવું છે. રાજકોટમાં જે કરૂણાંતિકા સર્જાઈ જેમાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા તેમની આત્માને શાંતિ મળે તેવી અપેક્ષા સાથે..!
હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ
શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે
લખચોરાશી બંધનોને લક્ષમાં લઈ કાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો
જનમોજનમ સત્સંગથી કિરતાર પાર ઉતારજો
આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.
મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી
ઘો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી
સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો
પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.