છેલ્લા ઘણા દિવસોથી પરષોત્તમ રૂપાલા ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજ માટે આપેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ શાંત થાય તેવું લાગતું નથી... ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ દેખાઈ રહ્યું છે. આજે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજની આજે બેઠક મળવાની છે અને આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાજકોટમાં પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ...!
અમદાવાદમાં મળી હતી ભાજપના નેતા અને સમાજના આગેવાનો વચ્ચે બેઠક
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે...ક્ષત્રિય સમાજ માટે કરવામાં આવેલી ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે. આ વિવાદ શાંત થાય તે માટે અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક થઈ હતી પરંતુ આ વિવાદ શાંત ના થયો. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડીખમ છે. આ બધા વચ્ચે એક વીડિયો સામે આવ્યો જેમાં ક્ષત્રાણીયોએ જૌહર કરવાની જાહેરાત કરી હતી. મહેંદી પણ લગાવી હતી અને આજે પણ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ક્ષત્રાણીઓ તૈયાર દેખાઈ હતી. મહિલાઓને નજરકેદ કરવામાં આવી છે.
રાજકોટમાં લાગ્યા પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટર!
રાજકોટ ખાતે આજે ક્ષત્રિય સમાજની બેઠક મળવાની છે, મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાની માગ સાથે ક્ષત્રિય સમાજ અડીખમ છે કે પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. આ બધા વચ્ચે અનેક પોસ્ટરના ફોટો સામે આવી રહ્યા છે જેમાં એવું લખાણ લખવામાં આવ્યું છે કે રાજકોટ છે મક્કમ રૂપાલા સાથે અડીખમ...! એવી પણ માહિતી સામે આવી છે કે જે રસ્તા પર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તે રસ્તા પર આવા પોસ્ટર લાગ્યા છે... ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં આવા પોસ્ટરો લાગતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે....
પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપતા કહ્યું હતું કે....
વિરોધના વંટોળ વચ્ચે પરષોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે હું ચુંટણીનું ફોર્મ ભરવા જાવ એટલે તમારે બધાએ આવવાનું છે. એક બે દિવસમાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરીશ, અમરેલી સહિતના લોકોને વિનંતી છે, ફોર્મ ભરતા સમયે તમારે બધાએ પાઘડીબંધ આવવાનું છે. મહત્વનું છે કે સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલાના આવા નિવેદનથી અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા અને હવે આ પ્રકારના પોસ્ટરો લાગ્યા!