ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા પણ અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. ભાજપ દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરાયા બાદ કોંગ્રેસ ઉમેદવારના નામની જાહેરાત કરતા પહેલા અનેક સમીકરણો પર ધ્યાન આપી રહી છે. ત્યારે રાજકોટમાં ભાજપ દ્વારા પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપવામાં આવી છે ત્યારે કોંગ્રેસ કોને ટિકીટ આપી શકે તેની ચર્ચાઓ ચાલી રહી છે. હિતેશ વોરાને કોંગ્રેસ આ બેઠક પરથી ઉમેદવાર બનાવી શકે છે તેવી વાતો હાલ થઈ રહી છે.
જ્યારે પરષોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકીટ આપવામાં આવી ત્યારે..
રાજકોટ બેઠક પર હાલ કોંગ્રેસ ઉમેદવારને ઉતારતા પહેલા મનોમંથન કરી રહ્યું છે. પહેલા એવી વાત હતી કે પરેશ ધાનાણીને પરષોત્તમ રૂપાલા સામે ઉતારશે પણ પરેશ ભાઈએ તો ચૂંટણી લડવાનીના પાડી દીધી એટલે હવે કોણ? એ મોટો પ્રશ્ન હતો.. પણ હવે વાતો થઈ રહી છે કે હિતેશ વોરાને રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડાવશે! હિતેશ વોરા લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે રાજકોટના સમીકરણો સમજીએ તો આ બેઠક પર બે પાટીદાર ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જામશે. રાજકોટ બેઠક પર ચાર લાખ લેઉવા પટેલ અને એક લાખ કડવા પટેલ મતદારો છે. જ્યારે પરષોતમ રૂપાલાને રાજકોટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે અમરેલીમાં મોટું નામ છે તો ત્યાં કેમ ના લડ્યા? કેમ કે ખબર હતી ત્યાં માથું વધેરાઈ જશે..
ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપ્યું હતું નિવેદન
હાલ પરષોત્તમ રૂપાલા ખૂબ ચર્ચામાં છે કારણ કે એમણે એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ માટે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયું છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીનો વ્યવહાર કર્યો હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો અને એના પછી પરષોત્તમ રૂપાલાએ માફી પણ માંગી લીધી પણ આ લોકસભા ચૂંટણીમાં આ મુદ્દો ક્ષત્રિય સમાજના વોટ બદલી શકે છે.
કોંગ્રેસ પણ રાજકોટ બેઠક પર ઉતારી શકે છે પાટીદાર ચહેરો
રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકમાં હાલ રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી એમ આઠ વિધાનસભા બેઠકો સામેલ છે. ગુજરાત વિધાનસભા 2022માં આ તમામ બેઠક પર ભાજપના ઉમેદવારો ચૂંટાયા હતા, જેનો ભાજપને લાભ મળી શકે છે. રાજકોટની બેઠક પર કડવા પાટીદારો ઉમેદવારોનો દબદબો વધુ જોવા મળે છે. બે ટર્મથી ભાજપમાંથી ચૂંટાયેલા મોહન કુંડારિયા પણ કડવા પાટીદાર સમાજના નેતા હતા અને આ વખતના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પણ કડવા પાટીદાર અગ્રણી નેતા છે.
હિતેશ વારોના નામની થઈ રહી છે ચર્ચા
કોંગ્રેસે પણ ગત લોકસભાની ચૂંટણીમાં કડવા પાટીદાર નેતા લલિત કગથરાને ટિકિટ આપી હતી, જો કે તેમનો પરાજય થયો હતો. આ વખતે પણ કોંગ્રેસ પરસોત્તમ રૂપાલા સામે કોઈ પાટીદાર નેતાને મેદાનમાં ઉતારી શકે તેવી વાત વચ્ચે નામ આવ્યું હિતેશ વોરા અને જો આ બંને વચ્ચે જંગ થાય તો એ રસપ્રદ હશે..