રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે... પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ છેડાયેલા વિવાદને કારણે આ સીટની ચર્ચાઓ થઈ રહી હતી. આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા ન હતા. કોંગ્રેસના કોણ ઉમેદવાર હશે તેની પર સૌ કોઈની નજર રહેલી હતી. રાજકોટ લોકસભા બેઠક પર ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસે પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા. ત્યારે આજે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપ્યું હતું નિવેદન
ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે પરંતુ માત્ર અમુક જ બેઠક એવી છે જ્યાં લાગે છે કે ચૂંટણી રસાકસી વાળી થશે. એવી એક બેઠક છે રાજકોટ લોકસભા બેઠક. ભાજપે પરષોત્તમ રૂપાલાને ટિકીટ આપી છે. ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદન બાદ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ઉઠી હતી. પરેશ ધાનાણીને કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્યા હતા. પરેશ ધાનાણી ચૂંટણી નહીં લડે તેવી વાતો સામે આવી પરંતુ તેમને મનાવાઈ લેવાયા અને કોંગ્રેસે તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્યા આકરા પ્રહાર
રાજકોટ લોકસભા સીટ પર રાજકારણ ગરમાયું છે. પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જ્યારે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે કવિતાના રૂપમાં અનેક વખત ભાજપ પર તેમણે કટાક્ષ કર્યો છે. ત્યારે હવે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહાર કર્યા છે. પોતાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે આજે પણ મને વિશ્વાસ છે કે, રાજકોટને રણ મેદાનમાં ફેરવવાનો ચોક્કસપૂર્વક ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે. બીજેપીના ઉમેદવાર અને સંભવિત ભાવી પ્રતિસ્પર્ધી પોતે શિક્ષક તરીકેની જવાબદારી નિભાવી છે, ખૂબ જ્ઞાની છે. લોકો એવું માને છે કે,સારા વાચક પણ હશે.