સૌરાષ્ટ્રમાં સિંહ અને દીપડાનો આતંક વધી રહ્યો છે, રાજકોટ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 8 દિવસથી દીપડો જોવા મળતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ દીપડો 3-4 વર્ષનો છે. ગઈ કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ નજીક આવેલા રૈયાધાર વિસ્તારમાં દીપડો જોવા મળતા વન વિભાગ એક્શનમાં આવ્યો છે. વિભાગની ટીમ દીપડાને પકડવા માટે પહોંચી હતી, ટીમના સભ્યોએ મોડી રાત સુધી શોધખોળ ચલાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિક્યુરિટી વિભાગને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. લોકોને આ વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના પણ આપી દેવામાં આવી હતી. આ સાથે જ બેરીકેટ પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યા હતા.
આ વિસ્તારોમાં જોવો મળ્યો દીપડો
દીપડાનો પકડવા માટે ફોરેસ્ટ વિભાગની 6 જેટલી ટીમો કામે લાગી છે. અત્યાર સુધીમાં જે-જે વિસ્તારમાં દીપડો દેખાયો ત્યાંની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ રાજકોટ જિલ્લાના વાગુદડ ગામ નજીક દીપડો દેખાયો હતો. ત્યાર બાદ મુજકા ગામ પાસે દીપડો દેખાયો હોવાની ચર્ચા ચાવી હતી. જે પછી કૃષ્ણનગર ગામમાં અને પછી રામનગર ગામમાં પણ દીપડો દેખાયો હોવાનો દાવો ગામ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો. ફરી દીપડો રામનગર ગામમાં આવ્યો હતો અને અહીંયા કુતરાનું મારણ કર્યું હતું. ત્યાર બાદ દીપડો રાજકોટ શહેરમાં આવી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.