વેકેશનના સમયમાં બાળકો મોજ માટે ગેમઝોનમાં જતા હોય છે... સામાન્ય રીતે વિકએન્ડ પર મોટી સંખ્યામાં લોકો આવા સ્થળની મુલાકાત લેતા હોય છે.. આપણે પણ આવા સ્થળની મુલાકાત લઈએ છીએ એમ માની કે બધુ સલામત છે.. જે પરવાનગી લેવાની હશે તે બધી પરવાનગી હશે વગેરે વગેરે.. પરંતુ તંત્ર દ્વારા રખાતી લાપરવાહી આવી દુર્ઘટનાને આમંત્રણ આપે છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..
એનઓસી વગર ચાલતું હતું ગેમ ઝોન!
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં મોટી અપડેટ સામે આવી છે, એવી પ્રાથમિક માહિતી સામે આવી હતી કે ચાર વર્ષથી એનઓસી વગર આ ગેમ ઝોન ધમધમતું હતું.. આ સ્થળ માટે ફાયર એન.ઓ.સી. લેવાયું નથી અને સેફ્ટીના ધારાધોરણોનું પાલન ન્હોતું છતાં તંત્રો દ્વારા તેને ચાલવા દીધું. એવી માહિતી સામે આવી છે કે શનિવારના દિવસે આ ગેમ ઝોનમાં 99 રુપિયાની ટિકીટ રખાઈ હતી જેને કારણે લોકો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. તંત્ર દ્વારા નાક આડા કાન કરવામાં આવે છે તેવું કહીએ તો પણ ખોટા ના પડીએ..!
દુર્ઘટના સર્જાય તે બાદ થોડા દિવસો માટે કરાય છે કાર્યવાહી અને પછી..
જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે લોકોના મોત થાય છે તે બાદ એક્શન લેવા માટે તંત્ર સફાળું જાગે છે.. આગને કારણે દુર્ઘટના થઈ હોય તો બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી છે કે નહીં તેની તપાસ થોડા દિવસો થાય છે, કોઈના મોત હરણી બોટ દુર્ઘટના જેવી ઘટનામાં થયા હોય તો લાઈફ જેકેટ અંગે તપાસ થોડા દિવસો માટે થાય છે.. ફાયર સેફ્ટી જે જગ્યા પર ના હોય તે જગ્યાને સીલ કરી દેવામાં આવે છે. લાઈફ જેકેટ વગર ચાલતી એક્ટિવીટિને બંધ કરી દેવાય છે.. આ બધું થાય છે પરંતુ માત્ર થોડા દિવસો પૂરતૂં..!
આટલી દુર્ઘટનાઓમાંથી ક્યારે બોધપાઠ લઈશું?
દુર્ઘટનાઓ ધીમે ધીમે જેમ વિસરાતી જાય છે તેમ તેમ આવી કાર્યવાહીઓ થતી બંધ થઈ જાય છે..જ્યારે આવી દુર્ઘટના સર્જાય છે તે બાદ એક્શન લેવાય છે.. પરંતુ સવાલ થાય કે તંત્ર એક્શનમાં કેમ ત્યારે જ આવે છે જ્યારે આવી દુર્ઘટના સર્જાય છે? આટલા લોકોના મોત થાય તે બાદ જ શા માટે કેમ થોડા સમય માટે એક્શન લેવામાં આવે છે? ભૂતકાળને ભૂલી જવાની આપણી આદત છે પરંતુ તેમાંથી બોધપાઠ તો લેવો પડશેને..! આપણે ઈતિહાસની ઘટનાઓને ભૂલી જઈએ છીએ પરંતુ તેમાંથી કંઈ શીખ્તા નથી એ મોટામાં મોટી કમનસીબી છે...!