આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવે છે જેમાં વરિષ્ઠ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા હોય છે. ત્યારે રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જાવરીમલ બિશ્નોઈ પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. સીબીઆઈ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું અને તેમાં અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. પરંતુ અધિકારી બિશ્નોઈએ ચોથા માળેથી ઝંપલાવ્યું હતું. જેને કારણે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું હતું.
9 લાખ લાંચની અધિકારીએ કરી હતી માગ!
સીબીઆઈ દ્વારા અનેક વખત લાંચ લેતા અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડવા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં શુક્રવારે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના અધિકારી જવરીમલ બિશ્નોઈ પાંચ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. મળતી માહિતી અનુસાર ફરિયાદી દ્વારા ડીજીએફટીની ઓફિસમાં ફૂડ કેનની નિકાસ માટેની અરજી કરવામાં આવી હતી. પરવાનગી મળી રહે તે માટે ફાઈલો ઓફિસમાં જમા કરાવવામાં આવી હતી. પરંતુ ફોરેન ટ્રેડના વરિષ્ઠ અધિકારી જાવરીમલ બિશ્નોઈ દ્વારા 9 લાખની લાંચ માગવામાં આવી હતી. એનઓસી મેળવવી ફરિયાદી માટે આવશ્યક હતી.
લાંચ લેતા સીબીઆઈએ રંગેહાથ ઝડપી પાડ્યા
ફરિયાદીના જણાવ્યા અનુસાર અધિકારી દ્વારા 9 લાખની માગણી કરવામાં આવી હતી જેને પગલે ફરિયાદીએ એવું નિર્ધારિત કર્યું હતું કે પ્રથમ હપ્તા પેટે રૂપિયા 5 લાખ જાવરીમલને આપવાના રહેશે. અધિકારીને ફરિયાદી પાંચ લાખ રુપિયા આપવા ગયા અને અધિકારીએ પાંચ લાખ રુપિયા સ્વીકાર્યા. પાંચ લાખની લાંચ લેતા સીબીઆઈએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જે બાદ સીબીઆઈ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને પગલે અધિકારીના ઓફિસમાં તેમજ ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ચોથા માળેથી અધિકારીએ કર્યો આપઘાત
ત્યારે ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જાવરીમલ બિશ્નોઈએ ઓફિસની બિલ્ડિંગના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો. આજે સવારે ઓફિસના ચોથા માળેથી કૂદકો મારતા દોડધામ મચી ગઈ હતી. સીબીઆઈ ટ્રેપ બાદ ઘરમાં તેમજ ઓફિસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. સિનિયર અધિકારીએ બદનામીના ડરથી આપઘાત કર્યા હોય તેવી આશંકા સેવાઈ રહી છે. અધિકારીને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનું મોત થઈ ગયું હતું.