શાળામાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય તે માટે ભણવા ઉપરાંત અનેક પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. આપણામાંથી અનેક લોકો એવા હશે કે જેમણે શાળામાં ભણવાની સાથે યોગ કરાવતા, કસરત કરાવતા, લંગડી રમાડતા, ખો-ખો રમાડતા, દોડાવતા અને આવું બધું કરાવતા. ત્યારે ખબર ન હતી કે આ સ્વાસ્થ્ય માટે સારું છે એટલા માટે કરાવે છે. પણ અત્યારની ખાનપાનની પરિસ્થિતિ અને કુમળી વયે આવતા હાર્ટ એટેકના કારણે શાળામાં આચાર્ય જ એવું કહેવા મજબૂર બન્યા છે કે કસરત ઓછી કરો, વજન ન ઉઠાવો, દોડો નહીં, મહેનતવાળું કામ ન કરો.
શાળાના સંચાલકોને આપવામાં આવી આ સૂચના!
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. યુવાનોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના મોત પણ હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ગુજરાતમાં હમણા યુવાનોને હ્રદય રોગના હુમલા આવવાના બનાવો વધી રહ્યા છે. જેને ધ્યાનમાં લઈને રાજકોટ જિલ્લાના શિક્ષણાધિકારી બી. એસ. કૈલાએ નાના વિદ્યાર્થીઓના હિતમા જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળતા તેમણે રાજકોટ જિલ્લાના આચાર્યો સાથે બેઠક કરી હતી અને તેમને મૌખિક સૂચના આપી છે કે શાળામાં ભણતા નાના બાળકોને કસરત ઓછી કરાવો, હાર્ડ વર્ક ન કરાવો, દોડવાનું ઓછું રખાવો, નવરાત્રિમાં ગરબા ઓછા રમાડો. આની પાછળનું કારણ છે કે રાજકોટમાં હમણાને હમણા નાની વયના યુવાનોને હાર્ટ એટેક આવ્યાના ઘણા બનાવો બન્યા છે.
વિદ્યાર્થીઓના હિતમાં લેવાયો નિર્ણય!
ખાનગી શાળાઓમાં તો તગડી ફી ઉઘરાવવાના કારણે વ્યવસ્થા કરી રાખી છે. ત્યાં જમવાનું બનાવાથી લઈ, કચરોવાળવાથી લઈ તમામ કામો માટે લોકો રાખ્યા હોય છે. અને તેમને લોકો રાખવા પોસાય છે કારણ કે સામે એટલી ફી લેતા હોય છે. પણ સરકારી શાળામાં એવું નથી હોતું. ત્યાં પરિસ્થિતિ સાવ અલગ હોય છે. અહીં આવીને કચરો વાળવાનું હોય છે, સાફસફાઈ કરવાની હોય છે. મેદાન સાફ કરવાનું હોય છે અને બાકી પણ બધા કામ હોય છે. અને આમાં બધુ કામ કરવા માટે પટ્ટાવાળા ન હોય તો મોટાભાગે વિદ્યાર્થીઓ જ કામ કરતા હોય છે. આ સિવાય સરકારી અને ખાનગી એમ બંને શાળામાં બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે યોગ કરાવામાં આવતો હોય છે. રમતગમતના અલગથી ક્લાસ હોય છે. વગેરે બધુ હોય છે. આમાં ધ્યાન રાખવા માટે પણ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ મૌખિક સૂચના આપી છે જેથી વિદ્યાર્થીઓને શારીરિક શ્રમ ન પડે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને.
શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે!
મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી આપણી સામે હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ બની રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ જેમણે હજી દુનિયા નથી જોઈ તેઓ દુનિયાને અલવિદા કહી રહ્યા છે. શાળામાં ભણતી વખતે વિદ્યાર્થીઓ ઢળી પડે છે અને મોતને ભેટે છે. પહેલા માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવે પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ છે અને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પરંતુ હવે તો સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે.