રાજકોટ એઈમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર પદેથી ડૉ. વલ્લભ કથીરિયાએ રાજીનામું આપી દેતા સૌરાષ્ટ્રભરનું રાજકારણ ગરમાયું છે. સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડૉ. વલ્લભ કથીરિયાને થોડા દિવસ અગાઉ રાજકોટ એમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર તરીકે નિમણૂક કરાઈ હતી. પરંતુ તેમણે અચાનક જ રાજકોટ એઈમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટરના પદેથી રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. કેંદ્રીય સચિવ અરૂણ કુમાર વિશ્વાસે રાજીનામાનો સ્વીકારી છે. ડૉ. વલ્લભ કથીરિયાએ 18 ઓગસ્ટે ચાર્જ સંભાળ્યો હતો. તેમને તાજેતરમાં પરાપીપળીયા ખાતે નિર્માણ પામી રહેલી એઇમ્સ હોસ્પિટલના પ્રેસિડેન્ટ ડોક્ટર બનાવવામાં આવ્યા હતા. જો કે, તેમણે ક્યા કારણોસર રાજીનામું આપ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. ડો.કથીરિયા અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ અને કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડોક્ટર કથીરિયાનું રાજીનામું મંજુર કરતા રાજકોટ એમ્સને હવે નવા પ્રેસિડેન્ટ મળશે.
સન્માન સમારોહ પહેલા જ રાજીનામું
ડો. વલ્લભ કથીરિયાને સાત દિવસ પહેલા જ એઇમ્સના પ્રેસિડેન્ટ ડોક્ટર બનાવવામાં આવ્યા હતા. ડો.વલ્લભ કથીરિયાને સન્માનિત કરવામાં આવે તે પૂર્વે જ તેના રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મીડિયા સુધી કેન્દ્રીય સચિવનો પત્ર પહોંચતો કરવામાં આવ્યો હતો. રાજકોટની સરસ્વતી શિશુ વિદ્યામંદિર ખાતે શુક્રવારના રોજ છ થી સાત કલાકે તેમનો સન્માન સમારોહ યોજાવાનો હતો. કાર્યક્રમની પત્રિકા પણ વહેંચાઈ ચૂકી હતી. સન્માન સમારોહ શરૂ થવાના ગણતરીના કલાક પૂર્વે જ રાજીનામાના સમાચાર વહેતા કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે.