ગુજરાતમાં એક તરફ આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરવા કામ કરી રહી છે ત્યારે આંતરિક ડખા થવાને કારણે અનેક નેતાઓ આમ આદમી પાર્ટીને અલવિદા કહી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીના ચહેરા તરીકે પસંદ કર્યા છે જે બાદ અનેક નેતાઓની નારાજગી ખૂલીને સામે આવી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને રાજભા ઝાલાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ઈન્દ્રનીલે આપનો છેડો ફાડી દીધો છે. જ્યારે રાજભા ઝાલા પણ ટૂંક સમયમાં પાર્ટીનો છેડો ફાડી શકે છે તેવા સમાચાર મળી રહ્યા છે.
રાજભા ઝાલા છે આમ આદમી પાર્ટીથી નારાજ
ગુજરાતની રાજનીતિમાં ઉતરવા આમ આદમી પાર્ટી જોર લગાવી રહી છે. ગુજરાતમાં સરકાર બનાવા પ્રયાસ કરી રહી છે. આપે ભાજપ અને કોંગ્રેસ પહેલા પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી હતી. જે બાદ મુખ્યમંત્રીના ચહેરાની પણ ઘોષણા કરવામાં આવી હતી, જેને લઈ પાર્ટીમાં અંદરખાને ચાલતો વિવાદ એકાએક બહાર આવી ગયો હતો. કોંગ્રેસને અલવિદા કહી આમ આદમી પાર્ટીમાં ઈન્દ્રનીલ જોડાયા હતા. નારાજ થયેલા ઈન્દ્રનીલે કોંગ્રેસમાં ઘરવાપસી કરી દીધી છે, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી આપમાં જોડાનાર રાજભા ઝાલા પણ ટૂંક સમયમાં આપનો સાથ છોડી શકે છે.
14 નવેમ્બર બાદ છોડી શકે છે AAPનો સાથ
નારાજ થયેલા રાજભાએ પોતાના સમર્થકો સાથે બેઠક કરી હતી. હાલ ગુજરાતના પ્રવાસે અરવિંદ કેજરીવાલ આવ્યા છે. અનેક જગ્યાએ રોડ-શો કરી તેઓ આપનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે રાજભા ઝાલાએ પોતાને કેજરીવાલથી દૂર રાખ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 14 નવેમ્બર બાદ રાજભા ઝાલા આપમાંથી પોતાના સમર્થકો સાથે રાજીનામું આપી શકે છે. જો રાજભા ઝાલા આપનો છેડો ફાડી દેશે તો સૌરાષ્ટ્ર આપમાં મોટું ભંગાણ પડી શકે છે.