રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, ક્યારેક સામાન્ય બાબતમાં કોઈની ઠંડા કલેજે હત્યા થઈ જાય તો પણ પોલીસ તંત્રનું રૂવાડું પણ ફરકતું નથી. કોઈ મા-બાપ તેમનો વ્હાયસોયો પુત્ર ગુમાવી દે તેમ છતાં પોલીસ તંત્ર કુંભકર્ણની નિદ્રામાં રહે તે કોઈ પણ દેશ અને સમાજ માટે ચિંતાજનક કહીં શકાય. આવું જ કાંઈક અમરેલી જિલ્લાના ચીતલ તાંબાના ટીંબા ગામના રજતભાઈ ધોળકિયા ખુન કેસમાં થયું છે. આ યુવાનના હાથ પગને દોરીથી બાંધીને તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની લાશને ઉંડી ખીણમાં ફેંકી દેવામાં આવી હતી. જો કે એક મહિનાથી પણ વધુ સમયવીતી ગયો હોવા છતાં પણ પરિવારને હજુ સુધી ન્યાય મળ્યો નથી.
ન્યાય માટે ચુંવાળીયા કોળી સમાજ મેદાને
સ્વ. રજતભાઈ ધોળકિયાના પરિવારજનોને ન્યાય મળે તે માટે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના અગ્રણીઓ પણ આગળ આવ્યા છે. તેઓ વિવિધ સરકારી કચેરીઓમાં આવેદન પત્ર આપી રહ્યા છે. જો કે આ ખુન કેસમાં હજુ સુધી કોઈ આરોપીની અટકાયત પણ કરવામાં આવી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે રજત ધોળકિયા ખુન કેસની એફઆઈઆર અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 09-05-23ના રોજ નોંધાઈ હતી. જો કે સ્થાનિક પોલીસ તંત્રએ આ ખુન કેસમાં હજું સુધી કોઈ કાર્યવાહી ન કરતા પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ હોય તેવું જણાઈ રહ્યું છે.