કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદ અનેક વખત સામે આવ્યા છે. ત્યારે રાજસ્થાન કોંગ્રેસમાં ચાલતા ઘમાસાણથી બધા લોકો વાકેફ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે જાણો જંગ છેડાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા ભ્રષ્ટાચારને લઈ સચિન પાટલોટ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. ધરણા પૂર્ણ થયા બાદ પણ આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી ત્યારે સચિન પાયલોટે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે જન સંઘર્ષ યાત્રા કરવાની જાહેરાત કરી હતી. અજમેરથી જયપુર સુધી ચાલનારી આ યાત્રાનો પ્રારંભ ગઈકાલથી થઈ ગયો હતો.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશોક ગેહલોત પર કર્યા હતા પ્રહાર!
રાજસ્થાનમાં થોડા સમય બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ કોંગ્રેસમાં ચાલતો આંતરિક વિખવાદ ફરી એક વખત રાજસ્થાનથી સામે આવ્યો છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતું ઘમાસણ ફરી એક વખત સામે આવ્યું છે. ભ્રષ્ટાચાર અંગે તપાસ કરવામાં આવે તેવી સચિન પાયલોટની માગ છે. જેને લઈ સચિન પાયલોટ દ્વારા થોડા દિવસો પહેલા ધરણા કરવામાં આવ્યા હતા. પરંતુ તપાસ કરવામાં આવી નથી. જે બાદ સચિન પાયલોટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને મુખ્યમંત્રી પર આકરા પ્રહાર કર્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું હતું કે અશોક ગેહલોતના નેતા સોનિયા ગાંધી નહીં પરંતુ વસુંધરા રાજે છે. ઉપરાંત ભ્રષ્ટાચારને લઈ તેમણે જન સંઘર્ષ યાત્રા કરવાની જાહેરાત કરી હતી.
ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટ કરી રહ્યા છે યાત્રા!
ગઈકાલે સચિન પાયલોટની યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. પરંતુ યાત્રાના પોસ્ટરમાંથી ગાંધી પરિવારના ફોટા ગાયબ હતા. આજે યાત્રાનો બીજો દિવસ છે. એક ઈન્ટરવ્યુંમાં તેમણે કહ્યું કે ભ્રષ્ટાચારના મુદ્દે અને અમારા યુવાનોના ભવિષ્યથી જોડાયેલી સમસ્યા અમને પ્રભાવિત કરે છે. રાજ્યમાં અમારી પાર્ટીની સરકાર છે તો અમને આશા છે કે સરકાર અમારી વાત સાંભળશે. ત્યારે આવનાર દિવસોમાં રાજસ્થાનનું રાજકારણ ગરમાઈ શકે છે તેવું હાલ લાગી રહ્યું છે.