રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ભ્રષ્ટાચારના આરોપો પર તપાસ કરવાની માગ સચિન પાયલોટ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા ઘમાસાણને શાંત કરવા હાઈકમાન્ડ વચ્ચે પડ્યું હતું. બંને નેતાઓ વચ્ચે સમાધાન પણ કરાવી લીધું હતું. ત્યારે ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું "મારા દ્વારા ઉઠાવવામાં આવેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર દિલ્હીમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવી પડશે. ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં."
મલ્લિકાર્જુન ખડગે તેમજ રાહુલ ગાંધીએ કરી હતી બેઠક!
રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. ભ્રષ્ટાચારને લઈ સચિન પાયલોટે પોતાની સરકાર વિરૂદ્ધ જ પ્રદર્શન શરૂ કર્યું છે. વસુંધરા રાજેના કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર અંગે તપાસ કરાવવામાં આવે તેવી માગ સચિન પાયલોટની છે. રાજસ્થાનની સરકાર વિરૂદ્ધ અનેક વખત પ્રદર્શન પણ કર્યા હતા. યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ચાલતા વિવાદને શાંત કરવા હાઈકમાન્ડે બંને નેતાઓ સાથે બેઠક કરી હતી. મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધીએ બેઠક કરી હતી. જે બાદ કોંગ્રેસે બંને નેતાઓ વચ્ચે સમાધાન થયું હોવાની જાહેરાત કરી હતી. વેણુગોપાલે કહ્યું કે અમે જીતવાના છીએ. બંને નેતાઓ રાજસ્થાનમાં એક થઈને ચૂંટણી લડવા સહેમત થયા છે.
ભ્રષ્ટાચાર અંગે કોઈ સમાધાન નહીં કરવામાં આવે - સચિન પાયલોટ
હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ એવું લાગતું હતું કે સચિન પાયલોટ દ્વારા જે માગ કરવામાં આવી હતી તેની પર વાત નહીં કરે. પરંતુ સચિન પાયલોટ ભ્રષ્ટાચાર અંગે કોઈ સમાધાન નથી કરવા માંગતા. આ મામલે કઈ ચલાવી લેવા નથી માગતા એવું લાગી રહ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે "મારા દ્વારા ઉઠાવવામાં આવેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર દિલ્હીમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવી પડશે. ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં."