કોંગ્રેસના નેતા સચિન પાયલટે આજે ટોંક વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. સચિન પાયલટે તેમના ચૂંટણી એફિડેવિટની મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વાત એમ છે કે સચિન પાયલટે છૂટાછેડા લીધા હોવાનું ચૂંટણી એફિડેવિટમાં જાહેર કર્યું છે. ટોંક વિધાનસભા સીટ પરથી કોંગ્રેસ પાર્ટી તરફથી નોમિનેશન ભરતી વખતે સચિન પાયલટે આપેલા સોગંદનામામાં પત્નીના નામની આગળ છૂટાછેડા લખેલ છે. ઉલ્લેખનિય છે કે 2018ની વિધાનસભા ચૂંટણીમાં સચિન પાયલટે તેમની પત્ની તરીકે સારા પાયલટનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમની સંપત્તિની વિગતો પણ આપવામાં આવી હતી. પરંતુ 2023ના એફિડેવિટમાં તેમણે છૂટાછેડા લીધા હોવાનું જાહેર કર્યું છે. સચિન અને સારાના લગ્ન જાન્યુઆરી 2004માં થયા હતા. આ લગ્નમાં બહુ ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
લંડનમાં થઈ હતી પ્રથમ મુલાકાત
દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તેમણે ગુડગાંવની એક બહુરાષ્ટ્રીય કંપનીમાં અઢીથી ત્રણ વર્ષ કામ કર્યું હતું. આ પછી તે વધુ અભ્યાસ માટે વિદેશ ગયા હતા. પાયલોટ વિદેશમાં અભ્યાસ દરમિયાન સારા અબ્દુલ્લાને મળ્યા હતા. સારા જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાની પુત્રી અને ઓમર અબ્દુલ્લાની બહેન છે. સારા અને સચિન વચ્ચેની પ્રથમ મુલાકાતથી તેમની મિત્રતાની શરૂઆત થઈ. ધીમે ધીમે તેમની મિત્રતા વિકસતી ગઈ અને તે પ્રેમમાં પરિણમી હતી. સચિન પાયલટ અને સારા લગભગ 19 વર્ષ પહેલા 15 જાન્યુઆરી 2004ના રોજ વૈવાહિક બંધનમાં બંધાયા હતા. એવું કહેવાય છે કે, અબ્દુલ્લા આ લગ્ન માટે રાજી નહોતા. તો વળી પાયલટનો પરિવાર પણ તેનાથી ખુશ નહોતો. સચિન પોતાના પરિવારેને આ સંબંધ માટે રાજી કરવામાં સફળ રહ્યા પણ સારા આવું કરી શકી નહીં. તેથી ફારુખ અબ્દુલ્લા પરિવાર આ લગ્નમાં હાજર રહ્યો નહોતો. સચિન અને સારાને બે પુત્રો છે. જેમના નામ અરણ અને વિહાન છે. જો કે સચિન પાયલોટે પોતાના સોગંદનામામાં બંનેને પોતાના પર નિર્ભર ગણાવ્યા છે.

2014માં તેમના અલગ થવાની વાત થઈ હતી
સચિન પાયલટ અને સારાના અલગ થવાની ચર્ચા અગાઉ પણ થઈ ચૂકી છે. નવ વર્ષ પહેલા પણ તેમના અલગ થવાની વાતો ચાલી હતી. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન સચિન પાયલટ અને સારાના અલગ થવાની વાતો ચાલી હતી પરંતુ તે સમયે તે બાબતને અફવા ગણાવીને ફગાવી દેવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સચિનની સંપત્તિ બમણી થઈ છે. ચૂંટણી એફિડેવિટમાં ખુલાસો થયો છે કે સચિન પાયલટની સંપત્તિ પાંચ વર્ષમાં લગભગ બમણી થઈ ગઈ છે. સચિને 2018ના એફિડેવિટમાં તેની સંપત્તિ 3.8 કરોડ રૂપિયા જાહેર કરી હતી, તે આ વર્ષે એટલે કે 2023માં વધીને લગભગ 7.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
રાજસ્થાનના સીએમ પદના દાવેદાર છે સચિન પાયલોટ
સચિન પાયલટે પણ બાદમાં પોતાની પ્રથમ લોકસભા ચૂંટણી દૌસાથી લડી હતી. દૌસાથી ચૂંટણી જીતીને તેઓ પહેલી વાર સાંસદ બન્યા હતા. બાદમાં ખૂબ જ નાની ઉંમરમાં કેન્દ્રમાં મંત્રી પણ બન્યા. પાયલટ એ શખ્સ છે, જેમણે પોતાના પિતા રાજેશ પાયલટનો રાજકીય વારસો ખૂબ જ સાર રીતે સંભાળ્યો છે. સચિન રાજકારણમાં ખૂબ જ ઝડપી ઉભરી આવ્યા અને પાર્ટીમાં છવાઈ ગયા. પાયલટ રાજસ્થાન કોંગ્રેસના લગભગ સાત વર્ષ સુધી અધ્યક્ષ પણ રહ્યા છે. તેમના અધ્યક્ષ કાળમાં જ કોંગ્રેસ ગત વખતે સરકારમાં આવી હતી. આ વખતે સચીન પાયલોટ રાજસ્થાનના સીએમ પદના પ્રબળ દાવેદાર મનાય છે.