થોડા સમય બાદ દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચોજાવાની છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમ તેમજ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી છે અને તે બાદ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચાર જોરોશોરથી કરવામાં આવી રહ્યો છે. પાર્ટીના દિગ્ગજનેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ભાજપનો પ્રચાર ખુદ પીએમ મોદી કરી રહ્યા છે. હજી સુધી એવું માનવામાં આવતું હતું કે રાજસ્થાનના સીએમ ફેસ તરીકે વસુંધરા રાજેની પસંદગી થઈ શકે છે પરંતુ તેમણે જનસભામાં નિવેદન આપ્યું છે તેનાથી રાજકીય વર્તુળમાં ચર્ચાઓ થવા લાગી કે વસુંધરા રાજે રાજનીતિમાંથી સન્યાસ લઈ શકે છે.
રાજ્યોમાં જોરશોરથી ચાલતો ચૂંટણી પ્રચાર
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી 25 નવેમ્બરના રોજ યોજાવાની છે. 200 જેટલી વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, પીએમ મોદી ખુદ ચૂંટણીવાળા રાજ્યોમાં પ્રચાર કરી રહ્યા છે. અલગ અલગ સ્ટાર પ્રચારકો પોતાની પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી ચહેરા તરીકે વસુંધરા રાજેને જોવામાં આવી રહ્યા હતા. પરંતુ ગઈકાલે રાજસ્થાનમાં રેલીમાં તેમણે સન્યાસ લેવાની વાત કહી હતી.
નિવૃત્તિની વાત કરતા શું કહ્યું વસુંધરા રાજેએ?
વસુંધરા રાજેએ પોતાના દીકરા દુષ્યંત સિંહના ભાષણ બાદ રેલીને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે મારા પુત્રની વાત સાંભળીને મને લાહે છે કે મારે હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. તમે બધાએ તેને એટલી સારી રીતે તાલીમ આપી છે કે મારે તેને આગળ ધકેલવાની જરૂર નથી. રાજેના આ નિવેદન બાદ રાજકીય વર્તુળમાં વાતો શરૂ થઈ ગઈ કે વસુંધરા રાજે રાજનીતિમાંથી સન્યાસ લઈ શકે છે. વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહ ઝાલાવાડ-બારણ લોકસભા સીટથી સાંસદ છે.
ભાજપને સત્તા પર લાવવા માટે વસુંધરા રાજેએ કર્યું આહ્વાહન!
મહત્વનું છે કે રાજસ્થાન માટે ભાજપે મુખ્યમંત્રીના ચહેરાના નામની જાહેરાત નથી કરી. છેલ્લા ઘણા સમયથી માગ થઈ રહી હતી કે વસુંધરા રાજેના પુત્રને મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેર કરવામાં આવે તેવી માગ સતત થઈ રહી છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર આવે તે માટે પણ વસુંધરા રાજેએ આહ્વાહન કર્યું હતું કે કોંગ્રેસ સરકારમાં ઘણો ભ્રષ્ટાચાર હતો, પ્રશ્નપત્રો લીક થયા. જો રાજસ્થાનને ફરીથી દેશનું નંબર વન રાજ્ય બનાવવું હોય તો ભાજપને સત્તામાં લાવવી પડશે.