વિકાસ મોડલ તરીકે ગુજરાતને દેશભરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા એવી જાહેરાતો કરવામાં આવે છે કે જાણે ગુજરાત વિકાસનો પર્યાય બની ગયો હોય. પરંતુ વાસ્તવિક્તા આપણને ખબર છે. દરરોજ આપણે ખરાબ રસ્તા પરથી નીકળતા હોઈએ છીએ. ગુજરાતમાં કામો થયા છે એની ના નહીં પરંતુ જે રીતે જાહેરાત કરવામાં આવે છે તે પ્રમાણેના કામો નથી થયા તેવી વાત તમારા મનમાં ચાલી રહી હશે. ત્યારે ગુજરાતમાં જોવા મળતા ખરાબ રોડ રસ્તાનો ઉલ્લેખ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ભાષણમાં કર્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ગુજરાતના રસ્તા રાજસ્થાન કરતા સારા ગણાતા હતા. હવે, તે વિપરીત છે.
રાજસ્થાનના સીએમએ ગુજરાતના ખરાબ રસ્તાનો કર્યો ઉલ્લેખ
દરેકના મનમાં આ પ્રકારના સવાલો ઉભા થતા હશે કે જે પ્રમાણે ગુજરાતની છબીને બનાવવામાં આવી તે પ્રમાણે નથી. અનેક જગ્યાઓ પરથી ખરાબ રોડ રસ્તાના સમાચારો સામે આવતા હોય છે. રસ્તા પર અનેક ખાડાઓ જોવા મળતા હોય છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે શહેરોની હાલત સારી હશે પરંતુ અનેક શહેરોથી આવતા સમાચાર આપણને દર્શાવે છે કે શહેરોની હાલત પણ ગામડા જેવી છે. જ્યારે ગુજરાતને આખા દેશમાં વિકાસના મોડલ તરીકે દર્શાવવામાં આવે ત્યારે ગુજરાતમાં પડતા ખાડાઓ, ખરાબ રસ્તાઓ પર સમગ્ર દેશની નજર રહેતી હોય છે. ત્યારે ગુજરાતમાં જોવા મળતા ખરાબ રસ્તાનો ઉલ્લેખ રાજસ્થાનના મુખ્યમંત્રીએ કર્યો છે.
ગુજરાત અને રાજસ્થાનના રોડની કરી સરખામણી!
રાજસ્થાનમાં જોધપુર-જયપુર ઓવરબ્રિજના લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. સામાન્ય રીતે જ્યારે આવા કાર્યક્રમોમાં નેતાઓ જતા હોય છે ત્યારે બીજા રાજ્યોની સરખામણી કરતા જોવા મળે છે. અને જે રાજ્યને આખા દેશમાં વિકાસના પર્યાય બનાવવામાં આવ્યો હોય તે રાજ્ય સાથે સરખામણી કરવાનો મોકો કોઈ છોડતું નથી. ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રીએ ગુજરાતનું નામ લઈ ગુજરાતના રસ્તાઓ પર કટાક્ષ કર્યા છે. ગુજરાતના રસ્તાની હાલત એકદમ કફોડી જોવા મળે છે. સામાન્ય દિવસોમાં પણ રસ્તાની હાલત એકદમ દયનીય હોય છે અને જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે તો વાત પૂછવી જ નહીં. ત્યારે અશોક ગેહલોતે આપેલા નિવેદન પર તમારૂં શું કહેવું છે તે જણાવો...