ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. દરેક પાર્ટી પોતાની રણનીતિ સાથે આગળ વધી રહી છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂઆત કરી દીધી છે. આપે અનેક વખત ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કર્યું છે. ત્યારે ભાજપે હજી સુધી ઉમેદવારોના નામની જાહેરાત નથી કરી. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા રાજસ્થાનના મુખ્યમંત્રી આવતી કાલે ગુજરાત આવી રહ્યા છે. આવતી કાલથી તેઓ બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
પરિવર્તન સંકલ્પ યાત્રામાં લેશે ભાગ
ચૂંટણીની તારીખ જાહેર થતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા પીએમ મોદી પોતે ગુજરાત આવી રહ્યા છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા અશોક ગેહલોત ગુજરાત આવવાના છે. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અનેક જનસભાને સંબોધવાના છે. પોતાના પ્રવાસ દરમિયાન તેઓ 6 રેલીઓ સંબોધવાના છે. રાજકોટ ખાતે ગેહલોત એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ તેઓ ભાવનગર પરિવર્તન સંકલ્પ યાત્રામાં ભાગ લેવાના છે. સોમવારના રોજ તેઓ મધ્ય ગુજરાતના પ્રવાસે જશે જ્યાં આકવાલ ખાતે સભામાં સંબોધન કરશે.