આજે આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ
વરસાદને લઈ કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો આજે છોટા ઉદેપુર, નર્મદામાં મૂશળાધાર વરસાદ વરસી શકે છે તે સિવાય ભારે વરસાદને લઈ પણ આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે સિવાય દાહોદ, પંચમહાલ, વડોદરા તેમજ ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે વહેલી સવારથી જ મહીસાગરના લુણાવાડા, સંતરામ પુર, ખાનપુર, વીરપુર, કડાણા, બાલાસિનોર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.
મહીસાગરમાં સારા વરસાદના કારણે લુણાવાડાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ હતી.
મેઘો મહેરબાન થતાં લુણાવાડા શહેરના દરકોલી દરવાજા, હાટડિયા બજાર, અસ્થાના બજાર, હુસૈની ચોક સહિત બસસ્ટેન્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
દાહોદ પંચમહાલમાં સારો વરસાદ થશે અને મહીસાગરમાં આગાહી હવામાન વિભાગે વ્યક્ત નથી કરી એની વચ્ચે મહીસાગરમાં પણ વરસાદ થયો તે ખેડૂતો માટે સારી વાત કહેવાય.
17 સપ્ટેમ્બર માટે વાત કરવામાં આવે તો આણંદ, પંચમહાલ, દાહોદ તેમજ તાપીમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. 18 સપ્ટેમ્બરને લઈ હવામાન દ્વારા કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો સુરત, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે.