ગુજરાતના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. અમદાવાદના શહેરમાં આજે સવારથી ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. આજે બપોર બાદ અમદાવાદમાં ફરી કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદના શિવરંજની, નહેરુનગર, એસ જી હાઇવે સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. અનેક વિસ્તારોમાં પવન ફૂંકાવવાની સાથે વરસાદ શરૂ થયો છે. બોપલ, રિંગ રોડ વિસ્તારમાં પણ ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે. કાળાડિબાંગ વાદળોના કારણે શહેરમાં અંધારપટ છવાયો છે.
આ વિસ્તારોમાં વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના માધુપુરા, સેટેલાઇટ, રાણીપ, બોપલ, રિંગ રોડ, મણિનગર, ચાંદખેડા, ઘુમા, સાયન્સ સિટી, બાપુનગર, વાડજ, એસ. જી હાઇવે પર ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઘનઘોર વાદળોના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે. વિઝિબિલિટી ઘટતા અને ભારે વરસાદના કારણે અમદાવાદના હાઇવે પર ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાયા છે. વિઝિબિલિટી ઘટતા દિવસે હેડ લાઇટ કરવાની ફરજ પડી છે.
ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બાવળા, ધોળકા, ધંધુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. તેમજ બાવળા ,ધોળકા, ધંધુકા પંથકમાં માવઠાની જોરદાર અસર વાવાઝોડા સાથે પવન અને વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાક અમદાવામાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદનો અનુમાન વ્યકત કર્યો છે. વરસાદની શક્યતાને લઇને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.