વરસાદ ક્યારે આવશે એની રાહ આપણે જોતા હોઈએ છીએ.. વરસાદ આવે અને આપણને ઠંડકનો અહેસાસ થાય.. ગુજરાતમાં વરસાદ થયો પણ ખરો.. ક્યાંક અતિવૃષ્ટિ જેવી સ્થિતિ તો ક્યાંક વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે.. સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. જામનગર, દ્વારકા, વડોદરા, રાજકોટ સહિતના વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી. વરસાદી પાણી ભરાયા હોય તેવા અનેક દ્રશ્યો આપણી સામે આવ્યા છે. વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. ગ્રાઉન્ડની પરિસ્થિતિ જાણવા માટે જમાવટ વડોદરા પહોંચ્યું હતું જ્યાં જનતાનો આક્રોશ ખુલ્લીને સામે આવતો હતો.
પાણી ભરાતા અનેક ઘરોની ડૂબી ઘર વખરી
વડોદરાને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હાલ ત્યાંની પરિસ્થિતિ જ્યારે જોઈએ ત્યારે દયા આવી જાય તેવી છે.. વડોદરામાં અનેક વખત પૂર આવ્યા છે પરંતુ દર વખતે પાણી ભરાયાની પરિસ્થિતિ સર્જાય છે. પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા નથી.. જ્યાં વરસાદી પાણી ભરાતા ના હતા ત્યાં હવે વરસાદી પાણી ભરાયા છે. લોકોનો આક્રોશ ચરમસીમા પર આવી પહોંચ્યો છે.. ઘર વખરી જાણે આખે આખી પાણીમાં વિનાશ પામી હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..અનેક ફ્લેટ એવા હતા જ્યાં પહેલા માળ સુધી પાણી આવી ગયા હતા.
સ્થાનિકોનો ગુસ્સો પહોંચ્યો ચરમસીમા પર!
અનેક સોસાયટીઓ એવી હતી જ્યાં ઘરો તો કરોડો રૂપિયાના હતા પરંતુ પીવા માટે પાણીના ફાંફા હતા. પાણી ન હતું, ભોજન ન હતું.. સ્થાનિક લોકો સાથે જ્યારે વાત કરી ત્યારે તે કોઈની સાથે વાત કરવા માગતા ન હતા. ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.. જ્યારે દ્રશ્યો જોયા તે પછી તો તે લોકો કેવી રીતે આટલા દિવસો જીવ્યા હશે તેની કલ્પના પણ ના કરી શકીએ..
ગુજરાતના અનેક ભાગોમાં ભરાયા વરસાદી પાણી
ના માત્ર વડોદરાથી પરંતુ ગુજરાતના અનેક ભાગોમાં પાણી ભરાયા છે.. રાજકોટ, જામનગર, દ્વારકા સહિતના ભાગોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટે આર્મીના જવાનો, એનડીઆરએફની ટીમ, પોલીસ. ફાયર વિભાગની ટીમ કામ કરી રહી છે. અનેક લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે તમારે ત્યાં વરસાદે કેવો કહેર મચાવ્યો છે તે અમને કમેન્ટમાં જણાવજો.