ગુજરાતમાં ભારે વરસાદે અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા અનેક ગામોમાં પરિસ્થિતિ અત્યંત દયનિય થઈ ગઈ હતી. ભરૂચ તેમજ નર્મદામાં તો વરસાદે તબાહી મચાવી દીધી છે. ભરૂચમાં તો હાલત એટલી ખરાબ હતી કે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મંત્રીઓએ મુલાકાત લીધી હતી. મંત્રીઓ જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા હતા ત્યારે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોએ મંત્રીને આડેહાથ લીધા હતા.
સરદાર સરોવર ડેમમાં છોડાયું હતું પાણી
17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવ્યું હતું, મુખ્યમંત્રીએ નવા નીરના વધામણા કર્યા હતા. સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થતાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડવામાં આવતા નદીના કાંઠે વસતા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ભરૂચમાં તેમજ અંકલેશ્વરમાં પાણી ભરાવવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પુરગ્રસ્ત વિસ્તારોની જ્યારે મંત્રીઓએ મુલાકાત લીધી હતી ત્યારે મંત્રીએ લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.
અસરગ્રસ્ત લોકોએ મંત્રીઓ સામે ઠાલવ્યો રોષ
પુરના પાણી ઓસર્યા બાદ ભરૂચ અને અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ આવી પહોચ્યા તો જોવા જેવી થઈ ગઈ ત્યાં જે સ્થાનિકો હતા એ બધાએ ભેગા થઈને નેતાજીનો ઉધડો લઈ લીધો હતો. લોકોએ કીધું હતું કે"તમારી ચાપલૂસી અમને ભારે પડી!" તે સિવાય આવી જ હાલત અંકલેશ્વરના ધારાસભ્યની થઈ હતી.
મનસુખ વસાવા પાસે ન હતો જવાબ
અંકલેશ્વરના MLA ઈશ્વર પટેલે જ્યારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી ત્યારે લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બોરભાઠા ગામના લોકોએ ધારાસભ્યનો ઘેરાવો કર્યો હતો. લોકોએ કહ્યું કે "પાણી આવ્યું ત્યારે કોઈ ન આવ્યું અને હવે ફોટા પડાવવા આવ્યા... નીકળો ગામમાંથી". તે ઉપરાંત જ્યારે મનસુખ વસાવાને આ સ્થિતિને લઈ ફોન કરવામાં આવ્યો ત્યારે તે બોખલાઈ ગયા હતા.