જ્યારે કોઈ કુદરતી આપદા આવતી હોય છે ત્યારે સેનાના જવાનો દેવદૂત બની લોકોના જીવ બચાવતા આપણને દેખાય છે. કેવી પણ વિષમ પરિસ્થિતિ કેમ ન હોય લોકોને બચાવવા માટે આર્મી જવાન પોતાના જીવને જોખમમાં મૂકતા હોય છે. ત્યારે ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાઓ પર જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવા માટે તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. સેનાના જવાનની મદદથી અનેક લોકોનું દિલધકડ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે.
કુદરતી આફત દરમિયાન પણ મદદરૂપ થાય છે સેનાના જવાન
કહેવાય છે કે કુદરત આગળ માણસ લાચાર છે. કુદરતી આપદાઓ જ્યારે જ્યારે દેશ પર આવી છે ત્યારે ત્યારે દેશના જવાનો ખડેપગે, સેવા માટે તત્પર દેખાય છે. ભૂકંપ આવ્યો હોય, પૂર આવ્યું હોય કે નાના બાળકને ખાડામાંથી બહાર કાઢવાનો હોય ત્યારે ત્યારે સેનાના જવાનો તેમજ પોલીસ દેવદૂત સાબિત થયા છે. લોકોના જીવ સુરક્ષિત રહે તે માટે તેઓ પોતાના જીવને જોખમમાં નાખતા હોય છે. અનેક એવા કિસ્સાઓ હોય છે જેમાં કુદરતી આપદા સામે માણસ હારી જાય છે ત્યારે સેનાના જવાન મદદ માટે આગળ આવે છે. સેનાના જવાન સીમા પર તૈનાત રહી દેશની. દેશવાસીઓની રક્ષા તો કરે છે પરંતુ જ્યારે કોઈ પણ જગ્યા પર કુદરતી આફત આવે છે ત્યારે સેનાના જવાનો મદદ માટે આગળ આવે છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ વીડિયો કર્યો શેર
હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને કારણે ગુજરાતની અનેક નદીઓ ગાંડીતૂર બની છે, બે કાંઠે વહી રહી છે. ડેમમાં જળસપાટી સતત વધતી જઈ રહી છે. અનેક તાલુકાઓ એવા છે જ્યાં વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે. લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડવામાં આવી રહ્યા છે. નદીઓમાં નવા નીર આવતા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. અનેક ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં સેનાના જવાન દિલધડક રેસ્ક્યુ કરી રહ્યા છે. કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. સેનાના જવાનોને શત શત નમન....