રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં મેઘમહેર થઈ છે. હવામાન વિભાગે રાજ્યના દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહીકરી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવા ઝાપટાંની આગાહી છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના 184 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતીવાડામાં સવા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. આજે સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.
સિઝનનો 85 ટકા વરસાદ
હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં 134 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદથી રાજ્યના 46 તાલુકામાં અત્યાર સુધીમાં છે 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છના સાત, રાજકોટના પાંચ, જૂનાગઢના 10 તાલુકામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ જિલ્લાના બે બે તાલુકામાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આ ઉપરાંત દાંતીવાડામાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે નડિયાદ, દાંતા અને ડીસામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેડાના મહુધામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડોલવણ, કપડવંજ, સુબિર અમીરગઢમાં 2 ઈંચ વરસાદ, જ્યારે રાધનપુર, વડગામ, દિયોદરમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે.
આ જિલ્લાઓમાં થશે મેઘ મહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે. તો સમગ્ર સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા ઝાંપટા પડશે. દાહોદ, પંચમહાલ, ખેડા, પાટણ પણ પવન સાથે વરસાદ પડશે. આ સાથે જ મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
અંબાલાલ પટેલે શું આગાહી કરી?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી હતી. ગઈકાલે તેઓએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ પાટડી, દસાડા, વિરમગામ, માંડલમાં પણ વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું કે, મહેસાણા, સમી, હારીજ, કડી, બેચરાજી, ઝોટાણા, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે.