રાજ્યના અનેક જગ્યાઓ પર વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બિપોરજોયને કારણે થોડા સમય પહેલા સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. પરંતુ તે જ બિપોરજોય વાવાઝોડાએ વરસાદની સિસ્ટમને વેરવિખેર કરી નાખી હતી. આમ તો આ સમય દરમિયાન રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ પરંતુ વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ મોડું બેઠું છે. વરસાદને લઈ આગાહી કરવામાં આવી હતી. જે મુજબ સવારથી દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોને મેઘરાજા ધમરોળી રહ્યા છે. વડોદરા, પંચમહાલ, ખેડા, ડાંગ, ભરૂચ, નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તો વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
બિપોરજોયને કારણે વરસાદી સિસ્ટમ ખોરવાઈ!
ગુજરાતમાં ચોમાસુ ક્યારે બેસશે તે અંગે અસમંજસ હતું. આ વર્ષે દર વર્ષ કરતા ચોમાસાની શરૂઆત મોડી થઈ છે. ઉનાળામાં કમોસમી વરસાદે વરસાદી સિસ્ટમને અસ્તવ્યસ્ત કરી દીધી હતી. તે બાદ બિપોરજોય વાવાઝોડાએ રાજ્યમાં વરસાદી માહોલ કરી દીધો હતો. અનેક જિલ્લાઓ એવા હતાં જ્યાં વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાણી ભરાઈ ગયા હતા અને મોટા પાયે નુકસાન પણ થયું હતું. ચક્રવાતને કારણે વરસાદી સિસ્ટમ પર ધણી અસર પડી છે. વરસાદી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે. કેરળમાં ચોમાસાનું આગન સત્તાવાર રીતે થઈ ગયું છે પરંતુ ત્યાંથી આગળ નથી વધી રહ્યું. જેને લઈ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન મોડું થઈ રહ્યું છે.
આ જગ્યાઓ પર વરસ્યો ધોધમાર વરસાદ
પરંતુ આજે વહેલી સવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વડોદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે. વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, ડભોઈ, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. ખેડામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગોધરા, જાંબુઘોડા, કાલોલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે. વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. તે સિવાય આણંદ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. વરસાદને લઈ વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.