ગુજરાતમાં ત્રાટકેલા બિપોરજોય વાવાઝોડા બાદ છેલ્લા બે ત્રણ દિવસથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, સૌરાષ્ટ્ર, કચ્છ બાદ ઉત્તર ગુજરાત અને હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદે કેર વર્તાવ્યો છે. રાજ્યમાં 100થી વધુ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં દાંતામાં 7 ઈંચ અને ધાનેરામાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. જો કે હવામાન વિભાગ અનુસાર હજુ પણ આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત પર હજુ સંકટ ટળ્યું નથી આજે અને આવતીકાલે 12થી 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
ક્યા કેટલો વરસાદ ખાબક્યો?
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં દાંતીવાડા અને પાલનપુરમાં પણ 6-6 ઇંચ વરસાદ વરસ્યો છે. ડીસામાં સાડા 5 ઇંચ અને દિયોદરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠાના પોશીનામાં 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો બીજી તરફ પાટણના સાંતલપુરમાં સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાધનપુરમાં 5 ઈંચ અને સિદ્ધપુરમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી?
આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આજની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, મહેસાણા, ડાંગ, તાપી, વલસાડ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
આ જિલ્લાઓમાં આવતી કાલે મેઘ મહેર
હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, આવતીકાલે પણ વરસાદનું જોર યથાવત રહી શકે છે, આવતીકાલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. આમાં અમદાવાદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહિસાગર, સાબરકાંઠા, વડોદરા, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.