રાજ્યના અમદાવાદ સહિતના વિવિઘ ભાગોમાં આજે ફરીથી મેઘ મહેર થતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. રાજ્યમાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી એકવાર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. વરસાદ અંગે હવામાન વિભાગે પણ મહત્ત્વની આગાહી કરી છે. ખાસ કરીને આગામી 3 દિવસ સુધી ગુજરાતના 33 જિલ્લાઓ પૈકીના કેટલાંક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
3 દિવસ થશે મેઘમહેર
રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં એકવાર ફરી હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી અને ડાંગમાં હળવાથી અતિભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં પણ મેઘરાજા મહેર કરી શકે છે.
101.07% વરસાદ ખાબક્યો
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 101.07% વરસાદ ખાબકી ચૂક્યો છે. એટલે કે રાજ્યમાં કુલ 859.19 મીમી વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યનાં 66 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો. તો રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.