દેશના કોઈ રાજ્યમાં કાળઝાળ ગરમી વરસી રહી છે તો કોઈ રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે પરંતુ અનેક રાજ્યોમાં તો ચોમાસુ બેસે તે પહેલા જ વરસાદના રેકોર્ડ તૂટી ગયા છે. દિલ્હીમાં ગરમીથી તો રાહત મળી પરંતુ વરસાદએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ગુરુગ્રામમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર વરસાદને કારણે 2 ફીટથી વધારે પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવવાને કારણે ગાડીઓ ડૂબતી જોવા મળી હતી. તે સિવાય આસામની હાલત પણ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. અતિવૃષ્ટિને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
ભારે વરસાદને કારણે ગુરૂગ્રામમાં ભરાયા પાણી!
બિપોરજોયને કારણે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં પ્રિ મોનસુનને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. હરિયાણામાં પ્રિમોનસુનને લઈ જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ગરમીથી તો લોકોને રાહત મળી છે પરંતુ વરસાદથી લોકો પરેશાન થઈ ગયા છે. આસામમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈ હજારો લોકો પ્રભાવિત થયા છે. ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તે સિવાય હરિયાણાના ગુરુગ્રામથી એવા દ્રશ્યો સામે આવ્યા છે, જે ત્યાંની સ્થિતિ કેવી હશે તે દર્શાવી રહ્યા છે.
અનેક રાજ્યો માટે કરાયું એલર્ટ જાહેર!
જો વરસાદની આગાહીની વાત કરીએ તો દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં વરસાદ થઈ શકે છે. આગામી કલાકો દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોસમ વિભાગની આગાહી મુજબ દિલ્હીમાં 25 જૂનથી વરસાદની શરૂઆત થશે. તે સિવાય ઉત્તર પ્રદેશ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 22 જૂન સુધી ઉત્તર પ્રદેશમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. તે સિવાય બિહાર માટે પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. ઓડિશામાં પણ 24 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.