2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી દરેક રાજકીય પાર્ટી હરકતમાં આવી ગઈ છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓનો ઉત્સાહ બની રહે તે માટે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજથી કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ભારત જોડો યાત્રા શરૂ કરશે.
કેવી રીતે યોજાશે ભારત જોડો યાત્રા?
3570 કિલોમીટર ચાલનારી આ યાત્રામાં 12 રાજ્યો તેમજ 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને જોડાશે. આશરે 5 મહિના સુધી ચાલનારી આ યાત્રાનો પ્રારંભ રાહુલ ગાંધી તમિલનાડુથી કરાવવાના છે. મળતી માહિતી મુજબ 300 લોકો આ યાત્રામાં ભાગ લેવાના છે. યાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તા તેમજ નેતા દરરોજ 6-7 કલાક ચાલશે. યાત્રા દરમિયાન વધતી જતી મોંધવારી, બેરોજગારી સહિતના મુદ્દાને લઈ કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયાસો કોંગ્રેસ દ્વારા હાથ ધરવામાં આવશે. આ યાત્રામાં રાજસ્થાનના તેમજ છત્તીસગઢના મુખ્યમંત્રી પણ સામેલ થવાના છે.
રાહુલ ગાંધીએ યાત્રા પહેલા પિતાના સ્મારકના આશિર્વાદ લીધા
પદયાત્રાની શરૂઆત પહેલા સવારે રાહુલ ગાંધી તમિલનાડુના શ્રીપેરૂમબુદુર શહેર ખાતે પહોંચ્યા હતા. કાંચીપુરમ ખાતે આવેલા પિતા રાજીવ ગાંધીના શહીદ સ્મારકે જઈ શ્રદ્ઘાંજલિ અર્પણ કરી તેમના આશીર્વાદ લીધા હતા. તે ઉપરાંત બોમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના પરિવારની પણ મુલાકાત લીધી હતી.
ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે વિપક્ષ હોય, દરેક પાર્ટી જીત મેળવવા માટે પ્રયાસો કરી રહી છે. પોતાની રણનીતી પ્રમાણે પાર્ટી પોતાના કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જગાડવા વિવિધ કાર્યક્રમો તેમજ રેલીઓ કરી રહ્યા છે. સંગઠનના અભાવથી નબળી પડી રહેલી કોંગ્રેસમાં નવો જોમ ઉમેરવા રાહુલ ગાંધી મેદાનમાં ઉતરી પ્રચાર કરી રહ્યા છે. ક્યાંક કોંગ્રેસમાંથી અનેક દિગ્ગજ નેતાઓ રાજીનામા આપી રહ્યા છે તો અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેને કારણે કોંગ્રેસમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. દેશમાંથી કોંગ્રેસનો દબદબો ઓછો થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં કોંગ્રેસને સીટો મેળવવાના ફાંફા પડી રહ્યા છે. જેને કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. ત્યારે ભારત જોડો યાત્રાથી નિરાશ કાર્યકર્તાઓમાં જુસ્સો રહેશે તે જોવાનું રહેશે.