રાહુલ ગાંધી આજે સુરત આવવાના છે. મોદી સરનેમ અંગે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈ સુરત ચીફ જ્યુડિશિયલ કોર્ટે તેમને સજા ફટકારી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાને સેશન કોર્ટમાં પડકારશે. પોતાની અરજીમાં મેજિસ્ટ્રેટના આદેશને રદ્દ કરવાની માગ પણ કરી છે.કેસના નિકાલ સુધી દોષિત ઠેરવવા પર વચગાળાનો સ્ટે લગાવવાની માગ પણ અરજીમાં કરાઈ છે. દિલ્હીથી પણ અનેક નેતાઓ સુરત આવવાના છે. એટલે સુરતમાં માત્ર સ્થાનિક કે ગુજરાતના જ નહીં પરંતુ દિલ્હીના નેતાઓ પણ જોવા મળશે.
પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ કર્યો હતો કેસ
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરનેમને લઈ ટિપ્પણ કરી હતી. જેને લઈ રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપના નેતા અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ કર્યો હતો. જે બાદ સુરત કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત રાહુલ ગાંધીને 2 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો.
સેશન્સ કોર્ટમાં નિર્ણયને પડકારશે
રાહુલ ગાંધી દોષિત જાહેર થયાના થોડા જ કલાકોમાં તેમનું સંસદ પદ પણ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. ઉપરાંત સરકારી ઘર ખાલી કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે રાહુલ ગાંધી આજે ફરી સુરત આવી શકે છે. સુરતમાં આવેલી ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. આ દરમિયાન કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેવાના છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અનેક ગુજરાત કોંગ્રેસના નેતાઓ સુરત ખાતે ઉપસ્થિત રહેવાના છે.